દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા): અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટી સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં ગોકુલધામ હવેલી ખાતે 7 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. યોગા ફોર હાર્મની એન્ડ પીસ(સુમેળ અને શાંતિ માટે યોગ)ની થીમ સાથે આયોજિત યોગ દિવસની ઉજવણીમાં નાના ભૂલકાંઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.

એટલાન્ટામાં વસવાટ કરતા ભારતીય તેમજ અમેરિકન સમુદાયમાં ભારતીય યોગ પરંપરાનું જબરદસ્ત આકર્ષણ છે. જે અંતર્ગત આ બંને સમુદાયોના રોજિંદા જીવનમાં યોગ એક નિત્યક્રમ બની ગયો છે. ખાસ કરીને ભારતીય સમુદાયમાં યોગ િદવસની ઉજવણી પ્રત્યે પણ ઉમંગ અને ઉમળકો જોવા મળે છે.

એટલાન્ટા સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાની ઓફિસના ઉપક્રમે રવિવાર તા.27 જૂનના રોજ ગોકુલધામ હવેલી ખાતે 7 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું. રવિવારે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં કોન્સલ જનરલ ડૉ. સ્વાતિ કુલકર્ણી, અમેરિકન રિપબ્લિકન પાર્ટીના સભ્ય રિચ મેકોરમિક, ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશનના પ્રમુખ વાસુદેવ પટેલ, રાજીવ મેનન, ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો સામેલ થયા હતા.

Advertisement


 

 

 

 

 

યોગ દિવસની ઉજવણીના પ્રારંભે યોગ રસીકોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિડિયો પ્રવચન સાંભળ્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ કોરોના મહામારીનો મુકાબલો કરી રહ્યું છે તેમાં યોગ ઉમ્મીદનું કિરણ બન્યું છે. આ મહામારીમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ જરાપણ ઓછો થયો નથી.

બે કલાકના ક્રાર્યક્રમમાં વિવિધ યોગાસનો અને યોગ મુદ્રાઓ કરીને યોગ રસિકોએ યોગ દિવસની ઉજવણીને સાર્થક કરી હતી. કોરોના મહામારીને કારણે યોગ દિવસની ઉજવણીમાં કોરોના અંગેના શિસ્તના નિયમોનું પાલન કરાયું હતું. ગોકુલધામ હવેલી ખાતે આયોજિત 7 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા ગોકુલધામ હવેલીના ટીમ મેમ્બર્સ હેતલ શાહ, હિતેશ પંડિત, કરણ શાહ, આર્ષ તલાટીએ જહેમત ઉઠાવી હતી. જ્યારે ફુડ સેવા માટે મનુભાઇ પટેલે યોગદાન આપ્યું હતું.