મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોનાને લઈને અમેરિકા અને ચીન એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે અને સતત ચર્ચામાં રહે છે, પરંતુ અમેરિકા અને ભારત જેમના હાલના સારા સંબધોથી વિશ્વ આખું વાકેફ છે. ત્યારે અમેરિકા ભારત સાથેના સંબધને લઈને જ ચર્ચામાં આવ્યું છે.

અમેરિકા તેનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ “વ્હાઈટ હાઉસ” પર ૨૨ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે અને તે ૧૩ એકાઉન્ટને ફોલો કરે છે, પરંતુ થોડા દિવસ પહેલા તે ભારત સંબધિત ૬ એકાઉન્ટને પણ ફોલો કરતું હતું. એટલે કે કુલ ૧૯ એકાઉન્ટને ફોલો કરતું હતું. હવે તેણે ૬ એકાઉન્ટને અનફોલો કર્યાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન (ભારત), યુએસમાં ભારતીય દૂત અને ભારતમાં યુએસ દૂતનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતમાં યુએસના એમ્બેસેડર કેન જસ્ટર પણ હતા.

આમ જોઈએ તો અમેરિકા અન્ય કોઈ દેશ કે રાષ્ટ્રપતિ ને ફોલો કરતું નથી, પરંતુ કોરોનાનાં સંકટ સામે લડવા ભારત જ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા આપીને અમેરિકાની વ્હારે આવ્યું હતું. ભારતની આ મદદના થોડા દિવસો પછી ૧૦મી એપ્રિલથી વ્હાઈટ હાઉસે પ્રથમ વાર અન્ય દેશનાં કોઈ એકાઉન્ટને ફોલો કર્યું. જેમાં પીએમ મોદી સહિત ભારતના ઉપરોક્ત પાંચ ટ્વિટર એકાઉન્ટને ફોલો કરવાનું શરૂ કર્યું હતું. જે તમામ ૬ ભારત સંબધી એકાઉન્ટને છેલ્લા થોડા દિવસથી અનફોલો કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં યોજાયેલા ‘હાવડી મોદી’ અને અમદાવાદના ‘નમસ્તે ટ્રંપ’ જેવા કાર્યક્રમો કે જેની વિશ્વએ નોંધ લીધી હતી. ત્યાર પછી પણ હમણાં સુધી અમેરિકાએ ભારતનાં કોઈ જ ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યું ન્હોતું પણ ભારતનું વડાપ્રધાન કાર્યાલય (PMO India) ઘણા સમયથી ટ્વિટર પર “President Trump” અને “Melania Trump”ને પણ ફોલો કરે છે.

Edited By (Milan Thakkar)