મેરાન્યૂઝ નેટવર્ક.મિયામીઃ અમેરિકામાં ગુરુવારે મિયામીના દરિયાકાંઠે આવેલું 12 માળનું શેમ્લેન ટાવર ધરાશાયી થયું જેમાં 42 વર્ષીય વિશાલ પટેલની 38 વર્ષીય પત્ની ભાવના પટેલ અને 1 વર્ષની દીકરી આઈશાની લાપતા છે. ભાવના પ્રેગ્નેન્ટ પણ હતી. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના (આ લખાય છે ત્યારે) મોત નિપજ્યા છે. જોકે આ પટેલ પરિવાર સહિત કુલ 159 લોકો પણ હજુ લાપતા છે. 

ગુરુવારે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં 40 વર્ષ જુના ટાવરના બે ટાવર અચાનક ધરાશાયી થયા હતા. બિલ્ડીંગ પડી જતાં તંત્ર દોડતુ થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ગુમ લોકોનું રેસ્ક્યૂ કરવામાં તંત્ર લાગી ગયું છે. અમેરિકાના મિયામીમાં ધરાશાયી થયેલાએ આ જ બિલ્ડીંગમાં જ હતો આ પટેલ પરિવાર. પરિવારના અન્ય સભ્યો તેમની શોધખોળ કરવા માટે મદદ માગી રહ્યા છે.

ટ્વીટર યૂઝર અને આ પરિવારના જ સ્વજન એવી સરિના પટેલે તે પરિવારનો ફોટો શેર કર્યો અને લખ્યું કે, મહેરબાની કરીને મારા પરિવારને શોધવામાં મદદ કરો. તેઓ બિલ્ડિંગ ધરાશાયી થયા પછી લાપતા છે. તેમને લગતી કોઈપણ માહિતી આવકાર્ય છે. તેઓની માહિતી આ મુજબ છે, 42 વર્ષીય પુરુષ વિશાલ પટેલ, 38 વર્ષીય પ્રેગ્નેન્ટ મહિલા ભાવના પટેલ, 1 વર્ષીય આઈશાની પટેલ.

તેમના મિત્ર વિશાલ અબાસે કહ્યું કે, ભાવના એક એન્જલ હતી, સ્વીટ, માયાળુ અને પ્રેમાળ હતી. હું તેને જ્યારથી મળ્યો છું ત્યારથી તેના મોંઢે એક ખરાબ શબ્દ સાંભળ્યો નથી. તે ખુબ ખુબ પ્રેમાળ સ્વભાવની હતી.