ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): રૂ બજારની તેજી જોલા ખાવા માંડી છે. ત્રણ સપ્તાહ અગાઉ અમેરિકન કૃષિ મંત્રાલયે રૂ વેપારનું ગુલાબી ચિત્ર રજૂ કર્યા પછી આ હાલત થઈ છે. ૧૧ માર્ચે યુએસડીએ એ કહ્યું હતું કે ૨૦૨૨૦-૨૧માં જગતનો રૂ વેપાર, ૨૦૧૯-૨૦ની તુલનાએ ૮ ટકા વધીને ૪૪૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) થશે. ૨૦૧૨-૧૩ પછીનો આ ઉચ્ચતમ આંકડો હશે. ગત સપ્તાહે અમેરિકન મે ડિલિવરી વાયદો ગુરુવારે એક જ દિવસમાં ૩.૭ ટકા તૂટીને ૭૭.૮૩ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) મુકાયો હતો.

યુએસડીએનો સાપ્તાહિક નિકાસ વેપાર ૭૮,૪૦૦ ગાંસડી થયો હતો, જે અગાઉના સપ્તાહ કરતાં ૭૧ ટકા ઓછો હતો. ચીને ૨૪,૦૦૦ ગાંસડી રૂ આયાત કરાર રદ્દ કરી નાખ્યા અને વિયેતનામથી ૧૩૦૦૦ ગાંસડી રૂની ખરીદી કરી હતી. માર્ચ ૨૦૨૧માં ન્યુયોર્ક રૂ વાયદો ૧૨ ટકા ઘટ્યો હતો. બરાબર એક વર્ષ અગાઉ જ્યારે કોરોના મહામારી જગતના ઉંબરે આવી લાગી હતી, ત્યારે માર્ચ ૨૦૨૦માં રૂ વાયદો ૧૭ ટકા ઉછળ્યો હતો.


 

 

 

 

 

ત્યાર પછીથી ૪ એપ્રિલ ૨૦૨૦ અને ૨૫ ફેબ્રુઆરી દરમિયાન અમેરિકન રૂ વાયદો સતત તેજીની સવારી પર સવાર થયો હતો. આ ગાળામાં ભાવ ૫૫ ટકા ઊછળી ૯૫.૫૭ સેન્ટની ઊંચાઈએ મુકાયો હતો. આ તેજી શરૂ થઈ ત્યારે બેટમ ૪૯.૮૯ સેન્ટની બની હતી.

અમેરિકન પ્રમુખ જે બઈડેનના વ્યવસ્થાતંત્રે, ચીન સાથે ટ્રમ્પ સરકારે મારેલા લોચાને વધુ ગૂંચવી નાખ્યા છે. એનાલિસ્ટો કહે છે કે રૂ સહિતની કોમોડિટી બજારમાં ચીન સૌથી મોટો આયાતકાર ખેલાડી છે, તેની સાથેના સંબંધો બગાડવાની કોઈ જરૂર ન હતી. પણ માર્ચ મધ્યથી ગંભીર વેપાર સમસ્યા સર્જાઇ છે. છેલ્લા ત્રણ સપ્તાહથી ચીનના જેનજીયાંગ વિસ્તારના અધિકારીઓ પશ્ચિમના દેશોના વેપાર પ્રતિબંધ સંબંધે વધુ આકરા થયા છે, પરિણામે રૂ વેપાર મડાગાંઠ વધુ ગંભીર બની ગઈ છે.

૧૨ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં રૂ વાયદો ૩.૫ ટકા ઘટયા પછી ૧૭ માર્ચના સપ્તાહમાં ૮ ટકા તૂટયો હતો. ગત સપ્તાહે તો નાઇકે અને એચએન્ડએમ સહિતની ફેશન બ્રાન્ડ સામે બીજિંગએ વળતાં પ્રહાર કરતાં સ્થિતિ વધુ કડે ચઢી ગઈ. ઉઈગર સમાજ માટે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટોએ વાંધાજનક ટીપ્પણીઓ કરતાં ચીનમાં પ્રવર્તતી ફેશન બ્રાંડોની ફેકટરીઓ પર જલદ પગલાં લેવાનું શરૂ કર્યું હતું.

ચીન સરકારની માલિકીના મીડિયા અને ઓનલાઈન યુજરોએ જર્મન સ્પોર્ટસવેર અદિદાસ તેમજ અમેરિકન બ્રાન્ડ ટોમી હિલફીગર સામે પણ જોરદાર મુહિમ શરૂ કરી દીધી છે. અત્યારે તો એ કહેવું મુશ્કેલ છે કે અમેરિકા ચીન વચ્ચેની આ ગોલા લડાઈ કયા સુધી ચાલશે અને રૂના વેપાર અને ભાવને કેટલી અસર થશે તે કહેવું મુશ્કેલ છે.


 

 

 

 

 

અમેરિકન કૃષિ મંત્રાલયે નવું ભજિયું એ બનાવ્યું કે ૨૦૨૦-૨૧માં વૈશ્વિક મિલ રૂ વપરાશ ગત મોસમમાં જે ૧૬ વર્ષના તળિયે ગયો હતો, તે ૧૪.૫ ટકા વધીને ૧૧૭૫ લાખ ગાંસડી થશે. બીજી તરફ તેણે કહ્યું કે ૨૦૨૦-૨૧માં ભારત અને ચીનની આગેવાનીમાં જાગતિક રૂ ઉત્પાદન, ૨૦૧૯-૨૦ કરતાં ૭ ટકા ઘટીને ૧૧૩૩ લાખ ગાંસડી આવશે, જે ચાર વર્ષમાં સૌથી નાનો હશે.

રૂ ઉત્પાદન કરતાં વધુ મિલ વપરાશ હશે, એ સંયોગમાં વૈશ્વિક રૂ સ્ટોક ઘટશે, એવી આગાહી કરવામાં આવી છે. ૨૦૨૦-૨૧નો જાગતિક રૂ સ્ટોક ૪ ટકા ઘટીને ૯૪૬ લાખ ગાંસડી અનુમાનિત છે. આ સાથે જ ૨૦૨૦-૨૧નો સ્ટોક ટુ યુસેજ રેશિયો પણ ઘટશે, પરિણાને આ મોસમમાં રૂના ભાવને ઊંચે જવામાં મદદરૂપ થશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)