મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ યુપીએસસી 2019 પરિણામ આવી ચુક્યા છે. મંગળવારે જાહેર થયેલા પરિણામમાં ઘણાઓની મહેનત ફળી છે તો ઘણાઓને ફરી મહેનત કરવાનું એક કારણ મળ્યું છે. દેશની ટોપ પરીક્ષાઓ પૈકીની એક આ પરીક્ષામાં પ્રદીપસિંહ નામના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા રેન્ક વન હાંસલ કર્યો છે. આ લીસ્ટમાં 26મા સ્થાન પર પણ એક નામ પ્રદીપસિંહનું છે. આઈઆરએસ ઓફીસર તરીકે પોતાની સેવાઓ આપી રહેલા આ પ્રદીપ સિંહે પણ પોતાના પિતાનું ગર્વથી માથું ઊંચું કરી દીધું છે. આવો પ્રદીપના સંઘર્ષ અંગે જાણીએ.

પ્રદીપસિંહએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી પોતાના રેન્ક અંગેની જાણકારી આપી 8હતી. પ્રદીપે CSE 2018માં ઓલ ઈન્ડિયા રેન્ક AIR 93 હાંસલ કર્યો હતો. 22 વર્ષના પ્રદીપએ પહેલા જ પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી લીધી હતી. પાસ થયા બાદ પ્રદીપએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેં જેટલો સંઘર્ષ જીવનમાં કર્યો છે, તેનાથી ઘણો વધુ સંઘર્ષ મારા માતા-પિતાએ કર્યો છે.

આપને જણાવી દઈએ કે પ્રદીપ સિંહના પિતા પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. પ્રદીપનું સપનું મોટું હતું. એવામાં તેમણે દિલ્હી આવવાનો નિર્ણય કર્યો. તે 2017માં જુનના મહિનામાં દિલ્હી આવ્યા હતા. જ્યાં તેમણે બાજીરાવ કોચિંગ જોઈન કરી હતી. પ્રદીપ કહેવું છે કે, આર્થિક રૂપે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પણ તેમના માતા-પિતાએ આ બધું તેમના ભણતરની વચ્ચે ન આવવા દીધું. પ્રદીપએ કહ્યું કે તેમના ઘરમાં નાણાની ખુબ પરેશાનીઓ હતી, પણ માતા-પિતાનો જુસ્સો મારા કરતાં ખુબ વધુ આગળ હતો.

એક ન્યૂઝ એજન્સી એએનઆઈને પ્રદીપના પિતાએ કહ્યું હતું કે, હું ઈંદોરમાં એક પેટ્રોલ પંપ પર કામ કરું છું. હું હંમેશા પોતાના બાળકોને શિક્ષિત કરવા માગતો હતો જેથી તે જીવનમાં સારું કાંઈક કરી શકે. પ્રદીપે કહ્યું કે તે યુપીએસસીની પરીક્ષા આપવા માગે છે, મારી પાસે પૈસાની ખોટ હતી. તેવામાં મેં મારા દિકરાના ભણતર માટે પોતાનું ઘર વેચી દીધું. તે દરમિયાન મારા પરિવારને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પણ આજે હું મારા દિકરાની સફળતાથી ખુબ ખુશ છું.

પ્રદીપે પોતે પણ એક મીડિયા ચેનલના ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, તેમની કોચિંગ ફી 1.5 લાખ રૂપિયા હતી. આ સાથે ઉપરનો ખર્ચ અલગ હતો. મારા ભણતરમાં કોઈ પ્રકારની અડચળ ન આવે, તે માટે પિતાએ ઘર વેચ્યું હતું. મારા પિતાજીના જીવનભરની સંપત્તિ તેમનું ઈંદૌર સ્થિત મકાન હતું, પણ મારા ભણતર માટે તેને વેચી દીધું અને એક ક્ષણ પણ એમ ન વિચાર્યું કે આવું કેમ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે જ્યારે મને આ અંગે ખબર પડી તો મારી મહેનત કરવાની ધગશ ઓર વધી ગઈ. પિતાજીના આ ત્યાગએ મને વધુ સક્ષમ બનાવ્યો અને મેં ગાંઠ બાંધી લીધી કે આ યુપીએસસી પરીક્ષા દરેક સંજોગોમાં પાસ કરવાની જ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રદીપના પિતા ઈંદૌરમાં નિરંજનપુર દેવાસ નગરના ડાયમંડ પેટ્રોલ પંપ પર કામ કરે છે. તેમની માતા હાઉસ વાઈફ છે અને તેમનો ભાઈ ખાનગી સેક્ટરમાં કામ કરે છે. તેમણે કહ્યું કે ત્રણે મારી દરેક મુશ્કેલમાં પ્રોટેક્શન વોલની જેમ ઊભા રહ્યા છે. તેમણે કહ્યું કે પિતા અને ભાઈ મારા ભણતરનો ઘણો ખ્યાલ રાખતા હતા. જ્યારે મે યુપીએસસીમાં મેંસ પરીક્ષા ચાલતી હતી ત્યારે મારી માતા હોસ્પિટલમાં દાખલ હતી, પણ તે વાતની જાણકારી તેમણે મને આપી નહીં જેથી હું કોઈ પણ રીતે ટેન્શનમાં આવી ન જાઉં અને તેની અસર મારા ભણતર પર ન પડે.

પ્રદીપએ એવું પણ કહ્યું કે, પિતાએ ઘર જ નહીં પણ ગામની બિહારના ગોપાલગંજની વારસાગત જમીન પણ મારા ભણતર પાછળ વેચી દીધી હતી જેથી દિલ્હીમાં મને કોઈ રીતે રૂપિયાની તંગી ન થાય. અહીં આપને જણાવી દઈએ કે પ્રદીપનો જન્મ બિહારમાં થયો હતો. જે પછી તે ઈંદૌર શિફ્ટ થયા હતા.