મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની પર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી ટેનીનો પુત્ર આશિષ મિશ્રા લખીમપુર ખેરીમાં ખેડૂતોને વાહન ચલાવીને મારવાના કેસમાં આરોપી છે. વિપક્ષે ટેનીના રાજીનામાની માંગણી તેજ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મામલે મંત્રીની સંડોવણી છે. તે "ગુનેગાર" છે. તેમને મંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ અથવા તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.

વિરોધ પક્ષોના વિરોધને કારણે હોબાળો વચ્ચે રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, "મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. તે ગુનેગાર છે." વિપક્ષના કેટલાક સાંસદોએ સંસદના બંને ગૃહોમાં સ્થગિત કરવાની નોટિસ આપી છે. હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું, "અમને લખીમપુર ખેરીમાં થયેલી હત્યાઓ વિશે બોલવાની છૂટ આપવી જોઈએ, જેમાં મંત્રી સામેલ હતા. એવું કહેવામાં આવ્યું છે કે તે કાવતરું હતું. ખેડૂતોની હત્યા કરનાર મંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને સજા થવી જોઈએ."

તે જ સમયે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે અમે સંસદમાં ચર્ચા માટે બોલાવીએ છીએ. કોઈને કોઈ બહાનું કાઢીને સંસદને ચાલવા ન દેવી એ યોગ્ય નથી. સંસદ ચર્ચા માટે છે અને વિપક્ષ સંસદની મૂળભૂત કામગીરીમાં ખલેલ કરી રહ્યો છે જે સારું નથી.