ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફેબ્રુઆરી ૨૦૨૧ વાયદો શુક્રવારે સતત સાતમા સપ્તાહે વધીને, બે ફેબ્રુઆરી ૨૦૨૦ પછીની નવી ઊંચાઈએ ૫૨.૪૫ ડોલર પ્રતિ બેરલ મુકાવીને, બાયરોએ અપટ્રેન્ડ શરૂ કર્યાની છડી પોકારી હતી. અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) જાન્યુઆરી ૨૦૨૧ વાયદો ગત સ્પાતઅહે પાંચ ટકા ઊછળી સિજન્સ હાઇ (જાન્યુઆરી વાયદાની નવી ઊંચાઈ) ૪૯.૧૦ ડોલરે મુકાયો હતો. ભારત અને ચીનમાં વિક્રમ રિફાઇનિંગ માંગ અને અમેરિકન રાહત પેકેજના વધેલા આશાવાદે પણ તેજીને નવ મહિનાની ઊંચાઈએ જવા પ્રોત્સાહિત કરી હતી.

હેજ ફંડ અને મનીમેનેજરો ગત સપ્તાહે, સતત ચોથા અઠવાડીએ પેટ્રોલિયમ ફ્યુચર્સ અને ઓપ્શન કાઉન્ટર પર ધરખમ લેવાલ હતા. કોરોના રસી અપેક્ષા કરતાં વહેલી બજારમાં આવી જશે, એવા અહેવાલે પણ રોકાણકારોને લેણમાં રહેવા આકર્ષિત કર્યા હતા. ગત સપ્તાહે અમેરિકન સાંસદો, વાયરસ રિલીફના નામે ૯૦૦ અબજ ડોલરનું રાહત પેકેજ કરાર કરવાની નજીક પહોંચી ગયા હતા.

અન્ય સમાચારોમાં, અમેરિકન ઓઇલ અને ગેસના રીગ કાઉન્ટ વૃધ્ધિ, ૧૮ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ૮ વધીને ૩૪૬ રીગ થઈ હતી. એનર્જી સર્વિસિસ એજનસી બાકર હ્યુજીસ કહે છે કે, મે ૨૦૨૦ પછીના આ સૌથી વધુ રીગ કાઉન્ટ વધારો છે, ઉત્પાદન વધારાના આ વરતારા આમતો વહેલા જ મળી ગયા હતા. ભાવ ૫૦ ડોલરની ઉપર જવા સાથે ઉત્પાદકોએ બંધ કરી દીધેલ કૂવાના મોઢિયા ફરીથી ખોલી નાખતા, રીગ કાઉન્ટનો આ વધારો સતત ચોથા સપ્તાહે જારી રહ્યો હતો.

અલબત્ત, કેનેડાના સર્વાંગી રીગ કાઉન્ટ ગત સપ્તાહે  સતત બીજા અઠવાડિયે ૯ ઘટી, સક્રિય રીગ હવે માત્ર ૧૧૨ રહી ગઈ છે. વાર્ષિક ધોરણે આ રીગ કાઉન્ટ ૪૭ વર્ષના સૌથી ઓછા છે. એનર્જી ઇન્ફોર્મેશન એડમિનીસટ્રેશનનો અંદાજ છે કે અમેરિકન ક્રૂડ ઓઇલ ઉત્પાદન દૈનિક ૧૧૦ લાખ બેરલ ઘટ્યું છે. આ વર્ષના આરંભે આ ઘટાડો દૈનિક ૨૧૦ લાખ બેરલ ધોરણે ઘટ્યો હતો, જે પણ એક નવો વિક્રમ હતો.

ઇઆઈએ કહે છે કે ૧૧ ડિસેમ્બરના પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકન ક્રૂડ ઇન્વેન્ટરીઝ ૩૧ લાખ બેરલ ઘટી હતી. એનાલીસ્ટો માનતા હતા કે આ ઘટાડો ૧૯ લાખ બેરલ જ રહેશે. કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ પણ શુક્રવારે અઢીવર્ષના તળિયે બેસી ગયો. ગત સપ્તાહે જે પ્રકારે ડોલર ઘટ્યો તેને લીધે પણ ઓઇલ કોમ્પલેકસની તેજીમાં જોમ આવ્યું હતું.

આ તરફ ઓપેક અને રશિયાએ મળીને જાન્યુઆરી ૨૦૨૧થી મામૂલી ઉત્પાદન વૃધ્ધિ કરવાની સહમતી સાધી હતી. ઓપેકે તેના માસિક અહેવાલમાં કહ્યું હતું કે આગામી વર્ષે માંગ વૃધ્ધિ દૈનિક ૫૯ લાખ બેરલ વધીને દૈનિક સરેરાશ ૯૫૮.૯ લાખ બેરલ રહેવાનો અંદાજ છે.

ઓપેક અને સાથી દેશો જાન્યુઆરીમાં દૈનિક સપ્લાય પાંચ લાખ બેરલ વધારવાની યોજના ધારાવે છે. જાન્યુઆરી પછી શું પગલાં ભરવા તે નક્કી કરવા માટેની એક બેઠક જાન્યુઆરીમાં બોલાવવામાં આવી છે. સાઉદી અરેબિયાની ક્રૂડ ઓઇલ નિકાસ સપ્ટેમ્બર ૨૦૨૦ની દૈનિક સરેરાશ ૬૦.૭ લાખ બેરલથી ઓક્ટોબરમાં વધીને ૬૧.૬ લાખ બેરલ થઈ હતી. ચીનની ૨૦૨૦ના વર્ષની ક્રૂડ ઓઇલ પ્રોડકટોની માંગમાં ૭ ટકાનો ઘટાડો થયો હતો.         

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)