મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાથરસ જિલ્લાના એક ગામમાં દલિત યુવતી સાથે થયેલા કથિત ગેંગરેપ અને નિર્દયતાના કેસમાં પકડાયેલા ચાર યુવકોના સમર્થનમાં કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો ખુલીને સામે આવી ગયા છે. ઉચ્ચ જાતિના આ લોકોએ નારેબાજી કરતાં કેમેરામાં કેદ થયા છે. ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ રવિવારે યુવતીના પરિજનોને મળવા માટે ગામમાં પહોંચ્યા હતા. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નારેબાજી કરનારા લોકો કેવા બેખૌફ છે કે તે પોલીસ તંત્રની હાજરી હોવા છતાં ધમકી આપવાની હિંમત કરી જાય છે.

ભીમ આરામીના પ્રમુખના ગામના પ્વાસ બાદ પોલીસે ચંદ્રશેખર આઝાદ સહિતના 400 લોકો સામે કેસ દાખલ કરી દીધો છે. તેમના પર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાના પ્રતિબંધના નિયમના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ચોંકાવનારી વાત એ છે કે કથિત ગેંગરેપના આરોપીઓના સમર્થનમાં એકત્રિત થયેલા 500 લોકો સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. આ લોકોમાંથી કેટલાક લોકો તો ખલ્લી રીતે વાયરલ થયેલા વીડિયોમાં ચંદ્રશેખર આઝાદને ધમકી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓની બર્બરતાની શિકાર બનેલી યુવતીનું દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

આઝાદે યુવતીના પરિવારને વિશેષ સુરક્ષાની માગ કરતાં કહ્યું કે, હાથરસના આરોપીઓના સમર્થનમાં ખુલ્લેઆમ બેઠકો થઈ રહી છે. પીડિત પરિવારને જોખમ છે. મંગળવારે યુવતીનું દિલ્હીના હોસ્પિટલમાં મોત થઈ ગયા પછી આ મામલો પુરા દેશમાં ચર્ચા અને લોકોના આક્રોશનો વિષય બની ગયો છે. યુવતીના પરિજનોએ તેમના પર ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. ગામના કેટલીક ઉચ્ચ જાતીના લોકોએ રાષ્ટ્રીય સ્વર્ણ પરિષદની બેઠક યોજીને આરોપ લગાવ્યો છે કે યુવતી અને તેમનો પરિવાર ચાર લોકો પર ખોટા આરોપ લગાવી રહ્યો છે અને તેમના નિવેદનના આધાર પર જ આ ચારેયને પકડવામાં આવ્યા છે. તે સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે. જેની રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરાઈ છે.

એક વીડિયોમાં એક શખ્સને એવું કહેતા સાંભળવામાં આવે છે કે, શું આપને સીબીઆઈ પર વિશ્વાસ નથી? તેમણે (ચંદ્રશેખરને) સીબીઆઈ પર વિશ્વાસ નથી? તે અહીં રાજનીતિ કરવા આવ્યા છે. અમને ફક્ત એક વાર તેમને મળવા દો તે પછી અમે જે કરીશું તેનાથી તેમને વિશ્વાસ થઈ જશે. આ યુવકને પોલીસે ઘેરેલો હતો પરંતુ ફક્ત ત્યાં તેઓ તમાશો જોઈ રહ્યા હતા.