મેરાન્યૂઝ નેટવર્ક.હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વર્ષ 2018માં યૌન શોષણના આરોપમાં જેલ જઈ ચુકેલા અને હાલ જામીન પર બહાર ચાલી રહેલા આરોપીએ પીડિતાના પિતાની સોમવારે કથિત રૂપે ગોળી મારીને હત્યા કરી દીધી અને આ રીતે દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર યુપીનો આ જિલ્લો ફરી ચર્ચામાં આવ્યો છે.

હાથરસ પોલીસે કહ્યું કે આરોપી ગૌરવ શર્માને 2018 માં જાતીય શોષણના કેસમાં એક મહિનાની જેલની સજા ફટકારી હતી. પીડિતાના પિતાએ તેની સામે પોલીસમાં કેસ દાખલ કર્યો હતો. સોમવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ગામના એક મંદિરની બહાર આરોપી અને પીડિત પરિવાર વચ્ચે કંઈક બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઈજાગ્રસ્ત પીડિતાના પિતાનું હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મોત નીપજ્યું હતું.


 

 

 

 

 

ગૌરવ શર્માને એક મહિનાની જેલમાં રહીને સ્થાનિક અદાલતે જામીન આપ્યા હતા, ત્યારબાદ તે ત્યારથી બહાર હતો.

હાથરસના પોલીસ વડા વિનીત જયસ્વાલે ટ્વિટર પર એક વીડિયો નિવેદનમાં જણાવ્યું છે કે 'મૃતકે જુલાઈ 2018 માં આરોપી વિરુદ્ધ જાતીય શોષણ માટે કેસ દાખલ કર્યો હતો. આરોપી જેલમાં ગયો હતો અને એક મહિના પછી જામીન પર છૂટી ગયો હતો. બંને પરિવારમાં તણાવ હતો. આરોપીની પત્ની અને કાકી બંને ગામમાં મંદિરના પૂજા અર્થે આવ્યા હતા. પીડિતા અને તેની બહેન પહેલાથી જ ત્યાં હાજર હતા. અહીં કંઈક વિશે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી આરોપી અને પીડિતાના પિતા પણ ઝઘડામાં જોડાયા અને ઝઘડો વધ્યો. આ પછી આરોપી ગુસ્સે થયો અને તેણે તેના પરિવારના કેટલાક અન્ય છોકરાઓ બોલાવ્યા અને પીડિતાના પિતાને ગોળી મારી દીધી.

સોમવારે પીડિતા પોલીસ સ્ટેશનની બહાર રડતી અને ન્યાયની માંગ કરતી જોવા મળી હતી. તેણે કહ્યું, 'મને ન્યાય આપો. પહેલા તેણે મારી છેડતી કરી અને હવે મારા પિતાને ગોળી મારી. તે અમારા ગામ આવ્યો હતો. તેની સાથે છ-સાત લોકો પણ હતા. મારા પિતાની કોઈ સાથે કોઈ દુશ્મની ન્હોતી. તેનું નામ ગૌરવ શર્મા છે.

પોલીસે અત્યાર સુધી ગૌરવ શર્માના પરિવારના એક સભ્યની ધરપકડ કરી છે.