મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ ઉંઝામાં થઈ રહેલા પાટીદાર સમાજના લક્ષચંડી યજ્ઞમાં આયોજકો દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવતા પાટીદાર સમાજના યુવાનોનું એક જુથ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. પાટીદાર યુવાનોએ યજ્ઞના આયોજકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો વાંધો નથી પણ પાટીદાર ઉપર દમન ગુજારનાર અમિત શાહને બોલાવવા સામે પોતાનો વિરોધ વ્યકત કરતા ચીમકી આપી છે. તેઓ ઉપવાસ ઉપર ઉતરશે અને જરૂર પડે આત્મવિલોપન કરી પોતાનો વિરોધ વ્યકત કરશે.

પાટીદાર આગેવાનોની બેઠકમાં, જ્યાં ભાજપના નેતા સી કે પટેલ પણ હાજર હતા ત્યાં કેટલાંક પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા. જયાં તેમણે લેખિત આવેદન આપી રજૂઆત કરી હતી કે પાટીદાર આંદોલન વખતે પટેલોને ઘરમાંથી બહાર કાઢી ફટકાર નાર અમિત શાહને કઈ રીતે પાટીદારો આમંત્રણ આપી શકે, 14 પાટીદાર યુવાનો શહિદ થયા તેમના પરિવરાને કોઈ મદદ મળી નથી. જ્યારે ગોધરાકાંડના કેસમાં પાટીદાર યુવાનો હજી જેલમાં સબડી રહ્યા છે. આ તમામ માટે અમિત શાહ જવાબદાર હોવા છતાં શા માટે તેમને આમંત્રણ આપવામાં આવે છે. જો આયોજકો અમિત શાહને આપવામાં આવેલું આમંત્રણ રદ કરશે નહીં તો પાટીદાર યુવાનો ઉપવાસ ઉપર બેસશે અને જરૂર પડે આત્મવિલોપન પણ કરશે.

બેઠકોનો વીડિયો જોતા પાટીદાર આયોજકો નારાજ યુવાનોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ યુવાનો આક્રમક બની રજૂઆત કરે છે. જો કે આખા મામલામાં સી કે પટેલ શાંત બેઠેલા જોવા મળે છે જુઓ વીડિયો