મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે શુક્રવારે સાંજે પોતાના કાર્યકાળની પ્રથમ અને છેલ્લી પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. જેને આજે દેશના તમામ અખબારોને ફ્રંટ પેજ પર સ્થાન આપ્યું છે અને તેને લીડ બનાવી છે. જેમાં અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફ અને ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના હેડિંગ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બંને અખબારોએ મોદીના પ્રેસ કોન્ફરન્સને પોતાની આગવી ક્રિએટીવીટીથી સ્થાન આપ્યું છે.

અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફની વાત કરીએ તો તેણે હેડિંગમાં કશું લખવાને બદલે સાયલેન્ટ ઝોન સિમ્બોલ મુક્યો છે અને બાકીની હેડિંગની લગભગ સાત કોલમ જેટલી જગ્યા ખાલી રાખી છે. જ્યાર બાદ તેની નીચે મોદીએ કેટલીક મીનિટ સુધી શું કહ્યું તે લખ્યું છે અને પત્રકાર પરિષદ દરમિયાન મોદીના વિવિધ મુડના ફોટો મુક્યા છે. તેની નીચે ફરી સાત કોલમનું બોક્સ કોરું છોડીને નીચે લખ્યું છે કે આ જગ્યા ધ ટેલિગ્રાફ દ્રારા રિઝર્વ રાખવામાં આવી છે અને વડાપ્રધાન મોદી જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નોના જવાબ આપશે ત્યારે તેની વિગત આમાં લખીશું.

જ્યારે દૈનિક ભાસ્કર જૂથના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા તેની આગવી શૈલીમાં હેડિંગમાં લખવામાં આવ્યું છે કે, મોદીની પહેલી પ્રેસ (પ્રેસ શબ્દ ઝાંખો અને તેના પર લાલ ચોકડી) શૉ કોન્ફરન્સ. અખબારે અહેવાલમાં એમ પણ લખ્યું છે કે નરેન્દ્ર મોદીને પુછાયેલા ત્રણ પ્રશ્નોના જવાબ અમિત શાહે આપ્યા હતા. આ સિવાય ચૂંટણી પ્રચારમાં મોદી અને રાહુલ ગાંધીએ કેટલી રેલીઓ કરી તેની માહિતી પણ અપાઇ છે.

દિવ્ય ભાસ્કરના ફ્રંટ પેજના ફોટો મોટાભાગે પાટીદાર અનામત આંદોલન દરમિયાન બેનલા અને હાલ પણ સક્રિય રહેલા વોટ્સએપ ગ્રૃપ્સમાં ફરી રહ્યા છે. તો ધ ટેલિગ્રાફના ફ્રંટ પેજના ફોટો પત્રકારોના ગ્રૃપમાં જોવા મળ્યા.