જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): સપ્તાહ પહેલા કેન્દ્રીય ઉર્જા મંત્રીનાં એક ફોનને પગલે ગુજરાતમાં કચ્છની પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેના મૂળમાં પશ્ચિમ કચ્છમાં બનેલી એક ઘટના છે. કચ્છમાં સત્તા પક્ષ ભાજપના ધારાસભ્યનાં પુત્ર દ્વારા પવનચક્કીનું વીજ સબ સ્ટેશન બંધ કરાવી દેવામાં આવ્યું છે. એ વાત કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સિંઘ સુધી પહોંચી હતી અને તેથી કચ્છ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

મુખ્યપ્રધાન રૂપાણીના જેમની ઉપર ચાર હાથ છે તેવા કચ્છ-માંડવીનાં MLA વિરેન્દ્રસિંહના પુત્ર હરદીપ સામે ભુજમાં પોલીસ ફરિયાદ દાખલ થતા કચ્છ સહિત ગુજરાતનાં રાજકારણમાં આ મામલે ખાસ્સી એવી ચર્ચા થઈ કે, એવું તે શું થયું કે સત્તા પક્ષનાં ધારાસભ્ય સામે પોલીસ એક્શનમાં આવી છે ? કચ્છ પોલીસની આ સક્રિયતા પાછળ માત્ર કેન્દ્રીય મંત્રી સિંઘ જ નહીં પરંતુ ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ પણ એટલા જ કારણભૂત છે.

ઘટનાને વધુ સરળતાથી સમજવા થોડા સમય પહેલા આયોજિત થયેલા કેન્દ્રીય ઉર્જા મંત્રી રાજકુમાર સિંઘનાં એક કાર્યક્રમમાં જવાની જરૂર છે. જયાં ગ્રીન એનર્જી ક્ષેત્રે સફળતાપૂર્વક પ્રોજેકટ પૂર્ણ કરનારી કંપનીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર હસ્તકના નિગમ એવા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) દ્વારા આ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ સારું કામ સેમ્બકોર્પ નામની કંપનીએ કર્યું હોવાને કારણે મિનિસ્ટર આર.કે.સિંઘ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા હતા. હવે જે કંપનીને ખુદ કેન્દ્ર સરકારે શાબાશી અને એવોર્ડ આપ્યા હોય તેવી કંપનીનું સબ સ્ટેશન બંધ કરાવી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે ચિત્ર એવું ઊભું થાય કે ઉપરથી પ્રેશર આવવાનું હતું અને થયું પણ એવું જ.

હવે કરોડિયાની ઝાળીની જેમ ગુંથણી એવી સામે આવી રહી છે કે, કચ્છમાં નખત્રાણા ખાતે જે વીજ સબ સ્ટેશન બંધ કરાવી દેવામાં આવ્યું હતું તે કંપની બીજી કોઈ નહીં પણ સેમ્બકોર્પ કંપનીનું જ હતું. એટલે કંપની દ્વારા કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એટલે તરત જ એમણે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આ.પાટીલને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. પાટીલે પણ શીર્ષ નેતાગીરીથી આવેલી સૂચનાને પગલે ગુજરાતનાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું ધ્યાન દોર્યું હતું અને હોમ મિનિસ્ટર જાડેજાની સૂચના આવતા જ સીએમ રૂપાણીના ખાસ એવા ધારાસભ્ય વિરરન્દ્રસિંહનાં પુત્ર સામે ગુનો નોંધવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો. ત્યારબાદ શું થયું એ બધાને ખબર છે.

સત્તાનું કેન્દ્ર સ્થાન પણ બદલાયું

પ્રથમ નજરે જોવા જઈએ તો સમગ્ર મામલામાં એક ખાસ કાંઈ નથી, પરંતુ કયાંથી કયાં અને કોણે કોને સૂચના આપી તેને ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડે છે કે, ગુજરાતમાં હવે સત્તાનું કેન્દ્ર બિંદુ બદલાયું છે. કેન્દ્રના મંત્રી આર.કે.સિંઘે ગુજરાતનાં મુખ્યમંત્રીને વચ્ચે લાવ્યા વિના સીધા સંગઠનમાં વાત કરી અને મામલો પતાવી લીધો હતો. સાચું ખોટું ભગવાન જાણે, પરંતુ એક વાત સાફ છે કે હવે ગુજરાત સરકાર ગાંધીનગરથી ઓછી, કોબાથી વધુ ચાલે છે.