મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વિકાસની વાતો વચ્ચે બેરોજગારીએ સૌથી ઉચ્ચ જગ્યા હાંસલ કરી લીધી છે. નોટબંધી અને જીએસટીએ શું નોકરીઓની તકો ઘટાડી? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના લેબર ફોર્સ સર્વેએ ભારતમાં બેરોજગારીનો દર ૨૦૧૭-૧૮માં ૬.૧ ટકા નોંધ્યો છે જે ૪૫ વર્ષમાં સૌથી વધુ છે. મોદી સરકારે ૨૦૧૬માં નોટબંધી કરી તે પછી બેકારીને લઇને આ પહેલો સર્વે છે. સર્વે માટે ડેટા જુલાઇ ૨૦૧૭થી જુન ૨૦૧૮ વચ્ચે લેવાયો છે. ૧૯૭૨-૭૩ બાદ આ સૌથી ઊંચો બેકારીનો દર છે. યુપીએના બીજા કાર્યકાળ દરમિયાન ૨૦૧૧-૧૨માં બેકારીનો દર ૨.૨ ટકા હતો. સરકારના જ એક સરવે પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર ૨૦૧૭-૧૮માં ૪૫ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. લોકસભા ચૂંટણીની જાહેરાત થવાને હવે થોડા દિવસો જ છે અને ૦૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ આંકડો મોદી સરકારનું ટેન્શન વધારે તેવો છે.

જુલાઈ ૨૦૧૭થી જુન ૨૦૧૮ના ગાળામાં નેશનલ સેમ્પલ સરવે દ્વારા એકત્ર કરાયેલા આંકડાં અનુસાર દેશમાં બેરોજગારીનો દર ૬.૧ ટકા હતો. જે વર્ષ ૧૯૭૨-૭૩ પછી સૌથી વધારે છે. બેરોજગારીની ચિંતાજનક સ્થિતિ દર્શાવતો આ સરવે જાહેર કરવામાં સરકાર મોડું કરી રહી હોવાના આક્ષેપ સાથે નેશનલ સ્ટેટસ્ટિકલ કમિશનના એકિટંગ ચેરમેન તેમજ અન્ય એક સભ્યએ રાજીનામું પણ આપી દીધું હતું.

સરકારના ફંડ પર ચાલતી નેશનલ સ્ટેટિસ્ટિકલ કિશનના વડા પીસી મોહનને બુધવારે જણાવ્યું હતું કે, તેમણે અને તેમના એક સાથી જે મિનાક્ષીએ પોતાના પદ છોડી દીધા છે. સરકારે બેરોજગારીના આ આંકડા ડિસેમ્બરમાં જાહેર કરવાના હતા, પરંતુ તેને હજુ સુધી જાહેર નથી કરાયા. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, શહેરી વિસ્તારોમાં તો બેરોજગારીનો દર ૭.૮ ટકા પહોંચી ગયો છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં તેનું પ્રમાણ ૫.૩ ટકા છે. ૨૦૧૬માં નોટબંધી લાગુ થયા બાદ લોકોની નોકરીઓ ગઈ હોવાના અનેક દાવા થયા હતા, તેવામાં આ સરવેના આંકડા ખૂબ જ મહત્વના મનાઈ રહ્યા છે. જોકે, તેને સરકાર જાહેર નથી કરી રહી. દેશનું અર્થતંત્ર વાર્ષિક સાત ટકાના દરે વિકાસ સાધી રહ્યું છે, પરંતુ તેટલા પ્રમાણમાં નોકરીઓ નથી સર્જાઈ રહી. દેશમાં દર વર્ષે લાખો યુવાનો નોકરીની તલાશમાં જોતરાય છે, પરંતુ તેમાંના ઘણાને નોકરી નથી મળતી. બેરોજગારીનો મુદ્દો જ મોદી સરકારને આ વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં પણ પડકાર આપે તેવી છે.