મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ ગુજરાતમાં સામાન્ય લોકોમાં ભર રાખતી પોલીસનો ગુનેગારોમાં ભય બીલકુલ નથી તેવી ઘટનાઓ રોજીંદી બની ગઈ છે. ઉપરથી ગુંડા તત્વો પોલીસ સામે જ કોલર ઊંચો રાખતા હોય છે. ઉના તાલુકાના ભીંગરણ પંચાયત કચેરીમાં પરિવારના સભ્યો સાથે આવીને મહિલા બુટલેગરે સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. બાદલમાં જાહેરમાં ફેંટ પકડીને માર માર્યો હતો. ઘટનામાં સરપંચને માથાના ભાગે ઈજા થતાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાબત એવી હતી કે મહિલા દારુ વેચતી હોવા અંગેની રજૂઆત આ સરપંચે એસપીને કરી દીધી હતી. જેથી આ ઉશકેરાયેલી મહિલાને તેની જાણ થઈ જતાં તેણે સરપંચને માર્યો હતો.

ઉના તાલુકાના મૂળ ભીંગરણ ગામની વતની અને કોબ ગામે રહેતી મહિલા બુટલેગરે પોતાની દાદાગીરીથી જાહેરમાં સરપંચને માર માર્યો તે બાબત ચકચાર મચાવનારી હતી. ભીંગરણ ગામના સરપંચ જયંતિભાઈ વશરામભાઈ સોલંકી ઓફીસે સવારના સમયે બેઠા હતા ત્યારે કોબ ગામની લાલુ નામની મહિલા બુટલેગર ત્યાં આવી ચઢી હતી. તે શરૂમાં સરપંચને ગમે તેવા શબ્દો બોલી અને બાદમાં જ્યારે સરપંચે અપશબ્દો નહીં બોલવાનું કહ્યું તો મહિલા બુટલેગર વધુ ઉશકેરાઈ અને તેણે સરપંચની ફેંટ પકડી લીધી અને હુમલો કરી દીધો. આ મારામારીમાં સરપંચને માથામાં પથ્થરનો ઘા વાગ્યો હતો. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનામાં બાબત એવી સામે આવી હતી કે મહિલા બુટલેગરના ભાઈ સાથે પણ રસ્તા બાબતે સરપંચની બોલાચાલી થઈ હતી. ઉપરાંત હાલમાં જ તેમણે એસપીને પોતાના વિસ્તારમાં દારુ વેચાતો હોવાની રજૂઆત કરી હતી. જેનો ખાર રાખીને મહિલાએ તેમના પર હુમલો કર્યો હતો.