મેરાન્યૂઝ નેટવર્ક.ઊનાઃ જર જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરું, ઉના તાલુકાના ચાંચકવાડ ગામે સમી સાંજે ડબલ મર્ડર થયાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં ભત્રીજાએ તેના સગા કાકા અને તેના પીતરાઇ ભાઇની ગુપ્તીના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાંખી છે. ડબલ મર્ડર પાછળ ખેતરમાંથી રસ્તા કાઢવાના મનદુ:ખ બાબતે થયું હોવાની ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે. આ ઘટનાના પગલે પોલીસ
અધિકારીઓ સ્ટાફ સાથે ચાંચકવાડ ગામે પહોંચી ગયો છે. હાલ ખુની ખેલ ખેલનાર આરોપી ભત્રીજાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ ડબલ મર્ડરની ઘટનાના પગલે પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે. 

ઉના પંથક થયેલ ડબલ મર્ડરની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર આજે સાંજના સાડા છ આસપાસ તાલુકાના ચાંચકવાડ ગામ પાસે આવેલ હનુમાનજીના સુપ્રસિધ્ધ તપોવન મંદિર નજીક એકાએક લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં ભત્રીજા ઘર્મેશ કેશુભાઇ રાણાવાયા (ઉ.વ.૪૦) ને તેના સગા કાકા મેર પ્રતાપભાઈ રાજશીભાઇ રાણાવાયા (ઉ.વ.૬૦) પીતરાઇ ભાઇ મેર ભરત પ્રતાપભાઇ રાણાવાયા (ઉ.વ.૨૯) સાથે
ખેતરમાંથી પસાર થતા રસ્તાના ખેડાણ બાબતે બોલાચાલી શરૂ થઇ હતી અને જોત જોતામાં ઉશ્કેરાટમાં આવીને ભત્રીજા ઘર્મેશ ગુપ્તી વડે કાકા અને પીતરાઇ ભાઇ પર તુટી પડી આડેઘડ અસંખ્ય ઘા ઝીકી દીધા હતા. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત પિતા-પુત્રને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ઉના હોસ્પીટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે બંન્ને મૃત જાહેર કરી રસ્તામાં જ દમ તોડી દીધો હોવાનું જણાવ્યું હતુ. 

આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ઘરી છે. આ ઘટનાના પગલે નાના એવા ગામ સહિત પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. આ ઘટના અંગેઉના પીઆઇ ચૌધરીએ જણાવ્યું કે, ચાંચકવાડ ગામએ મેર પરિવારના ચાર ભાઇઓની ખેતીની જમીન આવેલી છે. જે ખેતરમાંથી વાડી વિસ્તારમાં જવાના રસ્તો ખેડી નાંખવા બાબતે ભત્રીજાને તેના કાકા સાથે બોલાચાલી થયેલ જેમાં આ ડબલ મર્ડરની ઘટના ઘટી હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળે છે.