શૈલેષ નાઘેરા (મેરાન્યૂઝ.ઉના): ઉના નગરપાલિકામાં ભાજપ ૨૧ સીટો પર બિનહરીફ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉના નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી ૨૧ સીટો પર ભાજપ બિનહરિફ થઈ છે. એટલે હવે પછી ઉના નગરપાલિકા માટે ૧૫ સીટો પર જ મતદાન થશે. કોંગ્રેસના ૨૧ ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના ૧૧ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ઉના નગરપાલિકામાં ભાજપ તરફી વાતાવરણ થઇ ગયું છે.

આમ આદમી પાર્ટીના ગીરસોમનાથ જિલ્લાના પ્રમુખ મોરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ૧૧ ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા. જેમાં ત્રણ દિવસ પહેલા પાંચ લોકોએ ફોર્મ ખેંચી લીધા હતા, તેમજ ગઈકાલે ૨ અને આજે ચાર લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જેમાં ત્રણ લોકોને ભાજપ વાળા એ ધાક-ધમકી આપી અને ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનો જિલ્લા પ્રમુખ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે

આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપના લોકોએ ધમકી આપીને ફોર્મ પરત લેવડાવ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ઉના શહેર પ્રમુખના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેની સામે ભાજપે તેના કાકાને ઉતારતા પારિવારિક રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવું પડયુ. કોંગ્રેસના યુવા પ્રમુખની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે અમે વિશ્વાસ રાખી અને અમે ટિકિટ આપી હતી પરંતુ તેઓએ આજે અમારા ઉપર વિશ્વાસઘાત કર્યો હતો અને ક્યાંક વહીવટ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

પરંતુ રાજકીય વાતાવરણમાં ચર્ચાઓ મુજબ ઉના નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને ભાજપના લોકો દ્વારા વહીવટ કરવામાં આવ્યો હતો. વહીવટમાં અમુક ઉમેદવારો ન માનતા તેને આગામી સમયમાં કામ આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે અને તેમાં પણ ન માનતા છેલ્લે ધમકીથી ફોર્મ પરત ખેંચાવ્યા હોવાની માહિતી મળી રહી છે.