મેરાન્યૂઝ નેટવર્ક.ઉના : રામેશ્વર ગામની પરિણીતાનું ત્રણ દિવસ પહેલાં મૃત્યુ થયુ હતું. અને તેણીના પિતા સહિતના લોકોની હાજરીમાં મૃતદેહને સમાધિ આપવામાં આવી હતી. જો કે અંતિમવિધી બાદ સાસરિયાએ હત્યા કર્યાનો પિતાએ આક્ષેપ કર્યો હતો. અને આ અંગેની અરજી પોલીસને આપી હતી. જેને લઈને પોલીસે મૃતદેહને સમાધિમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપ્યો છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, ઉના તાલુકાના રામેશ્વર ગામની 19 વર્ષીય કંચનબેન નરેશ પરમાર નામની પરિણીતાનું ગત તા. 26 માર્ચે મોડી રાત્રે એક ખાનગી તબીબની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેને તા. 27 માર્ચે સમાધિ આપવામાં આવી હતી. એ વખતે તેના પિતા પ્રેમજીભાઇ પીઠાભાઇ સોંદરવા સહિતના પિયરિયાં અને સાસરિયા પણ હાજર રહ્યા હતા. જો કે ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરે આંચકી આવતા મગજમાં સોજો આવવાથી મોત થયાનું જણાવ્યું હોય તેણીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહોતું.

ત્યારબાદ કંચનબેનને તેના સાસરિયાએ મારી હોવાની વાતો પ્રેમજીભાઇએ સાંભળતાં તેમણે પોતાની પુત્રીને સાસરિયાએ મારી નાંખ્યાની આશંકા હોઇ તેનું પીએમ કરાવવાની માંગણી કરતી અરજી ઉના પોલીસમાં કરી હતી. તેમની આ અરજીના પગલે ઉના પીઆઇ ચૌધરી, પીએસઆઇ ચુડાસમા, સરકારી તબીબો ડો. જાદવ અને ડો. મિશ્રા, મામલતદાર નિનામા, મૃતકના પિતા અને પંચની હાજરીમાં મૃતદેહને સમાધિમાંથી ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો. અને પીએમ માટે જામનગર મેડીકલ કોલેજ ખાતે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.