મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: વિનાશક ચક્રવાત 'વાયુ' થી થનાર જાનમાલનું નુકશાન અટકાવવા તંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પરંતુ આ તકે સૌના આશ્ચર્ય વચ્ચે નાલિયા માંડવીનું સાયકલોન સેન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. જો કે આ સાયકલોન સેન્ટર બંધ હોવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

ઉનાના નાલીયા માંડવી ખાતે વાવાઝોડા જેવી કોઈપણ કુદરતી આફતમાં લોકોને સુરક્ષિત રાખી શકાય તે માટે કરોડોના ખર્ચે સાયકલોન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ હાલ ભારે ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સાયકલોન સેન્ટર બંધ જોવા મળી રહ્યું છે. અને ગેઇટ પર કોઈપણ પ્રકારની સૂચના પણ લખવામાં આવી નથી. એટલું જ નહીં સેન્ટરના મેઈન ગેઇટ પર અલીગઢી તાળા લટકાવી દેવાતા લોકોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.