કમલેશ જુમાણી (મેરાન્યૂઝ.ઉના): રાજુલાના કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના રેલવેની જમીનનો કબ્જો લેવા 16 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેના સમર્થનમાં અને ગીર સોમનાથ જિલ્લાના ઉનાનાં રેલવેના પ્રશ્નો બાબતે ઉનાનાં કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ધરણા કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ઉનામાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ઉના-ગીરગઢડા પંથકના કોંગી આગેવાનો અને કાર્યકરોએ પ્રથમ ઉનામાં રેલવે સ્ટેશનના પાટા પર ધરણા પર બેસી "રાજુલામાં રેલવેની જમીન પાલીકાને સોંપો.... ઉનાને રેલવે સુવિધા પૂરી પાડો" ના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું કે, રાજુલા શહેરની મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક-વે બનાવવા રાજુલા પાલીકા સાથે રેલ્વેએ કરાર કરેલ હોવા છતાં જમીનનો કબજો ન મળેલ હોવાથી રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર 16 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. પ્રજાના હિતાર્થે ચાલુ કરેલા આંદોલનને અમારો સંપૂર્ણ ટેકો છે. રાજુલા પાલિકાને રેલ્વેની પડતર જમીનનો કબજો મળે તેવી માંગણી છે. ઉપરાંત ગીર સોમનાથ અને ઉના પંથકના રેલ્વેને લગતા નીચેના મુજબના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માંગણી છે.

જેમાં ઉના રેલ્વે સ્ટેશનની બાજુમાં રેલ્વે ફાટક આવેલો છે જે સાંકડો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે જેથી આ ફાટકને પહોળો કરવા અથવા ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવી ટ્રાફીક સમસ્યા હલ કરી શકાય તેમ છે. ઉનાની બાજુમાં કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવ આવેલું છે. હાલ દેલવાડા સુધી રેલ્વે લાઈન છે ત્યારે આ મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરી દીવ સુધી રેલ લાઈન લંબાવવાથી દિવ ખાતે પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે. 

Advertisement


 

 

 

 

 

ઉપરાંત તેમના જણાવ્યાનુસાર, જુના સમયપત્રક મુજબ વર્ષોથી અમરેલી-વેરાવળ ટ્રેન બપોરના 1 કલાકે ઉપડતી અને વેરાવળ-દેલવાડા, અમરેલીથી આવતી ટ્રેનોનું તાલાલા રેલ્વે સ્ટેશન પર સાંજના 5 કલાકે કોસીંગ થતું હતું. જેનાથી વેરાવળ, ઉના, જુનાગઢ, અમરેલી તરફ જવાનું કનેકશન મુસાફરોને મળતું હતું. ટ્રેન નં. 12949 - વેરાવળ-દેલવાડા અગાઉ જૂના સમય મુજન 4 કલાકે ચાલતી જેનો સમય બદલી નાંખીને વહેલો કરવામાં આવ્યું છે. ટ્રેનનો સમય વહેલો થવાથી આ ટ્રેનનો ઉપયોગ કરનાર મુસાફરો, કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતનાને મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ ટ્રેનના સમયમાં ફેરફાર કરી જૂના સમય મુજબ જ ટ્રેન દોડાવી જરૂરી છે. તેની સ્પીડ વધારી વેરાવળથી દેલવાડા 9-30 કલાક પહેલાં પહોંચી શકાય તે મુજબનું આયોજન કરવું જોઈએ. 

Advertisement


 

 

 

 

 

વધુમાં જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ અને વેરાવળ-દેલવાડા-વેરાવળ ટ્રેનો ઘણા લાંબા સમયથી બંધ હોવાથી ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સામાજીક, આર્થિક, આરોગ્ય વગેરે કામસર જુનાગઢ- વેરાવળ-ઉના ખાતે જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વેરાવળ-કોડીનાર બંધ કરેલ પેસેન્જર ટ્રેન પણ પુનઃ ચાલુ કરવી જોઈએ.  રેલ્વે તંત્ર દ્વારા દેશના વિવિધ રેલ્વે સ્ટેશનોને અપગ્રેડ કરી આધુનિક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ઉના રેલ્વે સ્ટેશનને પણ અપગ્રેડ કરી આધુનિક સુવિધાઓવાળું બનાવવું જોઈએ. અગાઉ ઉના મુખ્ય રેલ્વે સ્ટેશન હતું તેને બદલીને ઉનાને ફલેગ સ્ટેશન બનાવી દેવામાં આવ્યું છે. 

ઉનાએ મુખ્ય સેન્ટર છે ત્યારે ઉનાને પુનઃ મુખ્ય રેલ્વે સ્ટેશન બનાવવું જોઈએ. કોરોનાના કારણે દેશભરમાં લદાયેલા લોકડાઉનથી સમગ્ર દેશમાં ટ્રેનો મર્યાદિત સંખ્યામાં ચાલુ હતી. ઉના ખાતે આવતી લોકલ ટ્રેનો કોરોના મહામારીના સમયથી આજદિન સુધી બંધ છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જ્યારે સ્થિતિ ધીમેધીમે પૂર્વવત થઈ રહી છે ત્યારે ઉના અને દેલવાડા ખાતે આવતી લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી કોરોનાની ગાઈડલાઈન મુજબ પુનઃ ચાલુ કરવા માંગણી છે.