કપરા કોરોના કાળમાં દર્દીઓને ઓક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે ગુજરાતની મદદે યુ.કે સ્થિત પ્રથમ BAPS સંસ્થા નિર્મિત હિન્દુ મંદિર દ્વારા આવકારદાયક પહેલ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા હાલ ગુજરાતની જુદીજુદી 4 સિવિલ હોસ્પિટલમાં 40 મેટ્રિક ટન ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય પહોચાડી છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં 4 મેટ્રિક ટન, જામનગરની જી.જી હોસ્પિટલમાં 12 મેટ્રિક ટન, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન, પાટણની જી.એમ.ઇ.આર.એસમાં 8 મેટ્રિક ટન તેમજ યોગીજી મહારાજ હોસ્પિટલ અમદાવાદ ખાતે 4 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે.

મોરબીમાં સેવાયજ્ઞ માટે દુબઇના અબુધાબીના BAPS હિન્દુ મંદિર દ્વારા ભારતમાં અનેક સ્થળોએ લિક્વિડ ઓક્સિજનની મદદ માટે બીડું ઉપાડ્યું છે. જેમાં મોરબી માટે 8 ટન ઓક્સિજન જથ્થો મળ્યો હોય ત્યારે આજે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના હરિસ્મરણ સ્વામી, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા, અધિક કલેકટર કેતન જોષી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના રાજપર રોડ પર આવેલા મારૂતિ એર પ્રોડક્શન ફેક્ટરીમાં 8 ટન ઓક્સિજન જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો અને આ ઓક્સીજન જથ્થો મોરબી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ આપવામાં આવશે. આમ મંદિરો દ્વારા ભક્તિની સાથે સાથે જ્યારે સમાજને મદદની જરૂર પડે ત્યારે આ સંસ્થાઓ સહાયનો ધોધ વરસાવી આપણી સંસ્કૃતિને ગૌરવ પ્રદાન કરી રહી છે.