પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હમણા દેશ સામે કોરોના સહિત કોરોનાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ ધંધા, રોજગાર, ખેડૂતોની આત્મહત્યા જેવા અનેક મુદ્દાઓ છે, પણ દેશનો અત્યારે જાણે પ્રાણ પ્રશ્ન કંગના રનૌટ બની ગયો હોય તેવું લાગે છે. દેશના હજારો ખેડૂતો અને બેરોજગારો રોજ આત્મહત્યા કરી રહ્યા છે પરંતુ સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ તે પ્રશ્નને મીડિયાએ રાષ્ટ્રીય પ્રશ્ન બનાવી દીધો છે, પણ હવે કંગના રનૌટના મુદ્દે કંગનાએ પણ પોતાના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો છે.

કંગના રનૌટના મુદ્દે સંજય રાઉતે કરેલા નિવેદન પછી જે પ્રકારની નિવેદન બાજી, અશ્લીલ શબ્દ પ્રયોગ અને અસભ્ય ભાષાનો પ્રયોગ થયો તે સમગ્ર દેશે જોયો છે. સરકાર સામે પડે ત્યારે તમામ સરકારો તેની વિરુદ્ધમાં પડનાર સામે આવો જ વ્યવહાર કરે છે, તે કાંઈ હવે નવું નથી. કંગના રનૌટની ઓફીસ પર જે રીતે બુલ્ડોઝર ચલાવવાની કામગીરી શરૂ કરાઈ તે મુદ્દે સમગ્ર દેશમાં ઉદ્ધવ અને શિવસેનાની ટીકા થઈ રહી છે.


 

 

 

 

કંગના રનૌટની ઓફીસનું સ્ટ્રક્ચર કાયદેસર છે કે ગેરકાયદે તે વિવાદનો મુદ્દો છે પણ કંગના રનૌટે મહારાષ્ટ્ર સરકાર સામે બંડ પોકાર્યા પછી ઉદ્ધવ ઠાકરેની સરકારે બદલો લેવા માટે બુલ્ડોઝર ચલાવ્યું તે ટાઈમિંગ ખોટું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેમનો વિરોધ કરનારા ભાજપમાં અને ભાજપ બહારના લોકો સામે તેમણે આવી રીતે જ બદલો લીધો પરંતુ તેમનો બદલો લેવાની પ્રક્રિયામાં હાથની સફાઈ અને યોગ્ય સમયે ઘા કરવાની તેમની વ્યૂહરચના હતી. તેમણે પોતાના વિરોધીઓને એક પછી એક સાફ કર્યા પણ છતાં મોદી અને શાહ પર કોઈ આંગળી મુકી શકે અને તેવો બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહ્યા છે તેવું કોઈ કહી શકે નહીં તેવી સ્થિતિ નિર્માણ કરી.

કેન્દ્ર સરકારના ગઠન પછી પણ મોદી અને શાહે વિવિધ રાજ્યોમાં રહેલા પોતાના વિરોધીઓને હાંસિયામાં ધકેલ્યા એટલું જ નહીં પણ શક્ય એટલું તમામ નુકસાન કર્યું છતાં તેમનું પ્રોપર ટાઈમિંગ હોવાને કારણે તેમના પર કોઈ સિધી આંગળી મુકી શક્યું નહીં. કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે પણ આવું જ કર્યું છે પણ ઉદ્ધવ ઠાકરેની અપરિપક્વતાને કારણે આ મુદ્દે તે બદનામ થઈ ગયા. 

કંગના રનૌટની ઘટનામાંથી સરકાર સામે પડનારાઓએ બોધપાઠ લેવાનો છે, કે તમે પાક સાફ હોવ તો જ તમારે સરકાર સામે લડવું એક ઈંચનું પણ ગેરકાયદે કામ કરનારે આવી લડાઈમાં કુદવું જોઈએ નહીં અને જો કુદવું તો નુકસાન માટે તૈયાર રહેવું જોઈએ. જેને ગુમાવવાની બીક લાગતી હોય તેમણે સરકાર સામે જ નહીં પણ કોઈપણ લડાઈ લડવી જોઈએ નહીં.