મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ અમલવારી બની રહી છે દારૂબંધીનો ફાયદો ઉઠાવી બુટલેગર્સ સ્થાનિક પોલીસના નાક નીચે વિદેશી દારૂનો વેપલો કરી દારૂના શોખીનો પાસેથી મનફાવે તેટલા રૂપિયા ખંખેરી રહ્યા છે. વિદેશી દારૂનો વેપલો કરી બુટલેગર્સ એશોઆરામની જીંદગી દાદાગીરી સાથે રોફ જમાવી જીવતા હોવાથી કેટલાક લવરમૂછિયા યુવકો પણ નશાના કારોબારમાં ઝડપથી નાણાં કમાવવા લલચાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસતંત્રના હાથે અનેક લવરમૂછિયા યુવકો દારૂની ખેપ મારતા ઝડપાઈ ચુક્યા છે.

મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીકથી રાજસ્થાન તરફથી આવતી ઇન્ડિકા વિસ્ટા કાર ( ગાડી.નં. GJ 04 BE 3528) માંથી વિદેશીદારૂની બોટલ નંગ-૯૬ કિં. રૂ.૪૮૦૦૦- નો જથ્થો જપ્ત કરી ૧) અજય શંકરભાઈ પરમાર અને ૨) સિદ્ધાર્થ સતિષભાઈ પરમાર (બંને,રહે તિલકનગર નજીક, ભાવનગર) ને ઝડપી પાડી બંને શખ્શો પાસેથી ઝડપાયેલ મોબાઈલ નંગ-૨ કિં .રૂ.૨૫૦૦-, રોકડ રકમ-૨૨૦૦ તથા કારની કિં. રૂ.૧૦૦૦૦૦- મળી કુલ રૂ.૧૫૨૭૦૦- નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ પી.એસ.આઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે બાતમીના આધારે રાયવાડા ગામના રમેશ હીરાભાઈ ખાંટના ઘરે ત્રાટકી ઘરની બહાર કોથળામાં સંતાડીને રાખેલો વિદેશી દારૂ અને ક્વાંટરીયા નંગ-૨૯૮ કિં. રૂ.૨૯૮૦૦- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા રમેશ હીરાભાઈ ખાંટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.