મેરાન્યૂઝ નેટવર્ક, ભાવનગર: ભાવનગરના સિહોર ગામની સીમમાં આવેલી ગુજરાત ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માલિકીની વાડીમાં શુક્રવારે અકસ્માતે પાણીનો ટાંકો તૂટતા બે મહિલાઓ મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સિહોરના કનાડ રોડ પર મહાદેવપુરા વિસ્તારમાં આવેલ વાડીમાં બનાવવામાં આવેલ પાણીનો ટાંકો અચાનક તૂટતા ટાંકાની દિવાલ ધરાશાયી થઇ હતી. જેમાં કપડાં ધોઇ રહેલી લક્ષ્મીબેન બુધાભાઇ જાંબુચા તથા મધુબેન ભરતભાઇ બાંભણીયાના મોત થયા હતાં. પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઘટના અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વાડી તેમની માલિકીની છે. પરંતુ તેમણે છેલ્લા ઘણા વર્ષોથી આ વાડી ભરતભાઇ નામના વ્યક્તિને ભાગિયા તરીકે ચલાવવા માટે આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાણીનો ટાંકો તૂટવાની ઘટનામાં મોતને ભેટનારને સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે. જેમાં દિકરાના લગ્ન થઇ ગયા છે. જ્યારે બીજા મૃતક મધુબેનને સંતાનમાં બે દિકરા અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.