મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ અમદાવાદના હાથીજણ વિસ્તારનાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં આવેલા દક્ષિણ ભારતીય નિત્યાનંદ બાબામાં બાળકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ આશ્રમની સાધવી સંચાલીકાની ધરપકડ કરી છે. આ સાધવી ઉપર બાળકનું અપહરણ કરવા સહિત  ગોંધી રાખવા, બાળ મજુરી કરાવવી અને ધમકી આપવાનો આરોપ છે. આ સમગ્ર મામલે ડીપીએસ સ્કૂલના વગદાર સીઈઓ મંજુલા પુજા શ્રોફ દ્વારા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી પ્રકરણને દાબી દેવાનો પ્રયાસ થયો હતો પરંતુ આખી ઘટનામાં રાજય સરકાર ફસાઈ જતી હોવાને કારણે શિક્ષણ વિભાગ, અમદાવાદ કલેકટર ઓફિસ અને પોલીસે ભીંસ વધારી અને બે સાધવીઓની ધરપકડ કરી છે, આ કેસના આરોપીમાં નિત્યાનંદનો પણ ઉલ્લેખ છે તેમજ પોલીસ ડીપીએસ સ્કૂલની ભૂમિકા પણ તપાસી રહી છે.

ગ્રામ્ય પોલીસે જર્નાદન શર્માની ફરિયાદને આધારે તપાસ શરૂ કરતા જાણકારી મળી કે પોતાના બાળકો મુશ્કેલીમાં છે તેવી ખબર પડતા શર્મા પરિવાર ઓકટોબર મહિનામાં અમદાવાદ આવ્યો હતો અને તેમણે પોતાના બાળકોને મળવાનો પ્રયાસ કરતા નિત્યાનંદ બાબાના આશ્રમ દ્વારા તેમને આશ્રમમાં પ્રવેશ આપતા રોક્યા હતા, પરંતુ આ મામલો ગરમાશે તેવો અંદેશો આવતા આશ્રમની સંચાલીકા દ્વારા શર્માના બાળકોને નજીકમાં આવેલી પુષ્પક સિટી બંગલોમાં લઈ જઈ ત્યાં ગોંધી રાખ્યા હતા. પોલીસે આ બંન્ને બાળકોની પુછપપરછ કરતા બાળકો પોતાને ક્યાં રાખવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી. પોલીસે તપાસ શરૂ કરતા પુષ્પક બંગલાની ચાવીઓ આશ્રમમાંથી મળી આવી હતી. તેમજ બંગલામાં તપાસ કરતા ત્યાંથી બાળકોને ગેરકાયદે રાખ્યા હોવાના પુરાવા પણ મળ્યા હતા. જેના આધારે સંચાલિકાઓની ધરપકડ કરવામાં આવી છે.

સંચાલિક પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા શરૂઆતમાં પોલીસ સાથે અસહકાર કરતી હતી તેમને ભરોસો હતો નિત્યાનંદ બાબા અને તેમના વીઆઈપી શીષ્યો તેમને મદદ કરશે એટલે જયારે પોલીસ તેમના નિવેદન લેવા જતી ત્યારે આ સાધવીઓ પોતે ગુજરાતી જાણતી નથી તેવુ કહી પોલીસને નિવેદન આપતી ન્હોતી. આમ પોલીસ જે માહિતી માંગે તે ભાષાની સમસ્યા જણાવી ઉત્તર આપતી ન્હોતી પરંતુ પોલીસ તપાસમાં પુરાવા મળતા પોલીસે તેમની ધરપકડ કરી છે પોલીસ આ મામલે ડીપીએસ સ્કૂલની ભૂમિકા પણ તપાસી રહી છે સાથે પુષ્પક બંગલાના માલિકની પણ પુછપરછ કરવામાં આવી રહી છે, જયારે ગુમ થયેલી નંદીતા કયાં છે તેનો શોધવા પણ પોલીસ કામે લાગી છે કારણ નંદીતા પોલીસ સાથે વિડીયો કોલીંગ દ્વારા જ વાત કરી રહી છે.