મેરાન્યૂઝ નેટવર્ક રાજકોટ : હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. ત્યારે પાકિસ્તાનના કરાચીમાં વસતા મહેશ્વરી સમાજના બે યુગલો લગ્ન કરવા માટે રાજકોટમાં આવ્યા હતા. જ્યાં મહેશ્વરી સમાજે સમૂહલગ્નમાં તેમના લગ્ન કરાવ્યા હતા. આ બંને કપલે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સરકારના ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. અને પોતાના સમાજના ઘણા લોકો ભારતમાં સ્થાયી થવા ઇચ્છતા હોવાનું જણાવ્યું હતું.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ મહેશ્વરી સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં અનિલ અને નિશા લાખિયા તેમજ ચેતન અને મંજુલા ડોરું નામના બે કપલ કરાંચીથી આવી પહોંચ્યા હતા. આ બંને યુગલોએ ધામધૂમપૂર્વક લગ્ન કર્યા બાદ પાકિસ્તાનમાં લગ્ન માટે સારું વાતાવરણ ન હોવાનું સ્વીકાર્યું હતું. અને કહ્યું હતું કે, તેમનો મોટા ભાગનો પરિવાર અહીં રહે છે. જોકે કરાંચીમાં પણ સમાજના ત્રણ હજારથી વધુ લોકો વસતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 
 

આ અંગે સમાજના અધ્યક્ષ ભાવેશ મહેશ્વરીએ જણાવ્યું કે, આ સંગઠને પાકિસ્તાનના 90થી વધારે યુગલોના લગ્ન કરાવી તેમને ભારતમાં રહેવા માટે મદદ કરી છે. આ પૈકી મોટા ભાગના કરાંચીના છે. આજે લગ્ન કરનાર બંને યુગલ પૈકી અનિલ લાખિયા અને નિશા લાખિયા એલટીવી વિઝા અંતર્ગત ભારતમાં રહેશે. જ્યારે ચેતન ડોરું અને મંજુલા ડોરું લગ્ન બાદ પાકિસ્તાન પરત ફરનાર હોવાનું જણાવતા આ સમાજના લોકોને પાકિસ્તાનમાં પરેશાન પણ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.