અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ, ગાંધીનગર): ગુજરાત કેડરના 1988 બેચના કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા આઇજીપી રેન્કના બે અધિકારીઓનું કેન્દ્રમાં ઇમ્પેનલમેન્ટ થતાં બંને અધિકારીઓને એડિશનલ ડીજી રેન્કમાં બઢતી આપવામાં આવી છે. અતુલ કરવાલ સીઆરપીએફમાં એડિશનલ ડાયરેક્ટર બનશે. જ્યારે તેમના જ બેચમેટ પ્રવિણ સિન્હા સીબીઆઇમાં એડિશનલ ડાયરેક્ટર થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હોમ સ્ટેટ ગુજરાતના કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા સિનિયર આઇપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારની મહત્વની જગ્યાઓ પર બઢતી મળી રહી છે. ગુજરાત કેડરના 1986 બેચના અરુણ કુમાર શર્માને તાજેતરમાં જ એડિશનલ ડાયરેક્ટર તરીકે બઢતી આપી સીબીઆઇના દિલ્હી સ્થિત હેડક્વાટરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ગુજરાતના વધુ એક અધિકારી સીબીઆઇમા એડિશનલ ડાયરેક્ટર બનીને જશે. 1988 બેચના આઇજી પ્રવિણ સિન્હાને કેન્દ્ર સરકારે ઇમ્પેનલમેન્ટ આપતા તેમને એડિશનલ ડીજીમાં બઢતી આપવામાં આવી છે. આઇજી પ્રવિણ સિન્હાની હજુ ત્રણ મહિના પહેલા જ સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી અને તેમને ચેન્નઇમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. હવે તેમને એડિશનલ ડીજી તરીકે બઢતી મળતા સીબીઆઇના દિલ્હી સ્થિત હેડક્વાટરમાં એડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવશે. પ્રવિણ સિન્હા, એ.કે. શર્મા ઉપરાંત સીબીઆઇ હેડક્વાટરમાં સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરના આઇપીએસ રાકેશ અસ્થાના કાર્યરત છે.

પ્રવિણ સિન્હા ઉપરાંત તેમના જ બેચમેટ 1988 બેચના અતુલ કરવાલ દિલ્હી સીઆરપીએફ હેડક્વાટરના જોઇન્ટ ડાયરેક્ટર હતા અને હવે તેમની પણ એડિશનલ ડીજી તરીકે બઢતી મળતા તેમને પણ સીઆરપીએફમાં જ એડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સીઆરપીએફ હેડક્વાટરમાં  એડિશનલ ડાયરેક્ટરની જગ્યા ઘણા સમયથી ખાલી હતી, આ જગ્યા પર અતુલ કરવાલની નિમણૂક કરવામાં આવશે.

આ ન્યૂઝ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો.