મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ અને પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના હત્યાના પંદર દિવસ બાદ પણ પોલીસ હત્યારા અને હત્યાની સોપારી આપનાર સુધી પહોંચી શકી નથી. હત્યા બાદ પહેલા સપ્તાહમાં જ પોલીસનો દાવો હતો કે તેમણે હત્યારાને ઓળખી લીધા છે, પરંતુ આખી તપાસમાં આંઘળે બ્હેરૂ કુટાયા જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી, પોલીસ ભાનુશાળીની હત્યા મનિષા ગોસ્વામીએ કરાવી હોવાનું માની લઈ તે તરફ ધ્યાન કેન્દ્રીત કરી તપાસ શરૂ કરી હતી પણ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ મનિષાને આ હત્યાકાંડ સાથે કોઈ નીસ્બત નહીં હોવાનું બહાર આવ્યુ હતું અને બાદમાં છબીલ પટેલની હત્યામાં સંડોવણી અંગેની પણ તપાસ ચાલુ રાખવામાં આવી હતી. દરમિયાનમાં પુના પોલીસ પાસેથી  મળેલા કેટલાંક શંકાસ્પદ લોકોની તસવીરો છબીલ પટેલના કચ્છમાં આવેલા ફાર્મના સ્ટાફને બતાડતા તેમણે ત્રણ તસવીરો પૈકી બે  વ્યકિતને ઓળખી બતાડી હતી અને તે બે વ્યકિત હત્યા અગાઉ છબીલ પટેલના ફાર્મમાં રોકાઈ  હોવાનું તેમણે કબુલ્યુ હતું. પોલીસે આ કેસમાં વધુ બે શખ્સોની પોલીસે છબીલ પટેલના ફાર્મ હાઉસથી ધરપકડ કરી છે.

કહેવાય છે કે છબીલ પટેલ 2 જાન્યુઆરીના રોજ મસ્કત ગયો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ હત્યામાં છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી બંનેએ હત્યા કરાવી છે. પોલીસે જોકે હજુ પોલીસના હાથે મુખ્ય આરોપીઓ લાગ્યા નથી. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. આ હત્યા નાણાં માટે જ થઈ હોવાનું પોલીસ હાલ કહી રહી છે. જોકે અન્ય તથ્યો પણ સામે આવે તેવી સંપુર્ણ શક્યતાઓ છે.

જયંતિ ભાનુશાળી અને તેમની સ્ત્રી મિત્ર મનિષા ગોસ્વામીને સેકસ સીડીને લઈ અગાઉ પડેલા વાંધા બાદ જયંતિના ભત્રીજા સુનિલ દ્વારા મનિષા સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો, જો કે પછીથી તેમના વચ્ચે સમાધાન થતાં મનિષા જામીન ઉપર છુટી હતી. જયંતિ ભાનુશાળીની હત્યા પહેલા જયંતિ  ભાનુશાળી, મનિષા સહિત, સુરજીત ભાઉ અને શેખર નામની વ્યકિત મુંબઈથી ભુજ સાથે આવી હતી. હત્યાની ફરિયાદમાં મનિષાનો ઉલ્લેખ મળતા મનિષા ફરાર થઈ જતા, પોલીસે મનિષાએ જ હત્યા કરાવી હોવાના અનુમાન સાથે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ભાનુશાળી ભુજ એરપોર્ટ ઉપર આવ્યા અને ત્યાર બાદ જેમણે ઈનોવા કાર મોકલી હતી તે તમામની તપાસ શરૂ કરતા તપાસ પોલીસના અનુમાન કરતા જુદી દિશામાં જવા લાગી હતી.

પોલીસને જે તથ્યો હાથ લાગ્યા તેમાં હત્યાના બે દિવસ પહેલા તા 5-6 જાન્યુઆરીના રોજ મનિષા સહિત તેના સાગરીતોની હાજરી અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી એક હોટલમાં હોવાની જાણકારી મળી હતી, પોલીસ દ્વારા હોટલનું રજીસ્ટ્રર અને સીસીટીવી ચેક કરતા પોલીસે જેને કાવત્રાખોર અને હત્યારા માની રહી હતી તે તમામ આ હોટલમાં મળી આવ્યા હતા. જો કે પોલીસને મનિષાની સાથે રહેલા ભાઉ અને સુરજીતને ઝડપી લેવામાં સફળતા મળી હતી, પરંતુ તેમની આકરી પુછપરછમાં બીજી જ હકિકત સામે આવી હતી જેમાં મનિષા અન્ય કોઈ વ્યકિતને પાઠ ભણાવવા માગતી હતી, જેના કારણે મનિષા તેમને પોતાની સાથે ગુજરાત લઈ આવી હતી, તેમણે જયંતિ ભાનુશાળી પ્રકરણ સાથે કોઈ લેવાદેવા ન્હોતી, પણ તેઓ મનિષા દ્વારા સોંપવામાં આવેલા કામને અંજામ આપે તે પહેલા ભાનુશાળીની હત્યા થઈ જતા તેઓ ડરના માર્યા ફરાર થઈ ગયા હતા, આ ઘટના પછી મનિષાએ સુરત નજીક કોઈ ગુપ્ત સ્થળે આશ્રય લીધો હોવાની જાણકારી મળી રહી છે.

પોલીસને કેટલાંક શંકાસ્પદ નંબર હાથ લાગ્યા હતા, જે મહારાષ્ટ્રના પુના શહેરના હતા, આ નંબરોની જાણકારી સાથે પોલીસની ટીમ પુના પહોંચી હતી, જયાં પુના પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું પરંતુ સંભવીત હત્યારાઓ પોલીસ કરતા ચાલાક સાબીત થયા અને હજી હાથ લાગી રહ્યા નથી, પરંતુ પુના પોલીસની જાણકારી ગુજરાત પોલીસ જેમને શોધી રહી છે તેમણે જયંતિની હત્યા બે દિવસ પહેલા પુનામાં પણ આ પ્રકારની એક હત્યાને અંજામ આપ્યો હતો, ત્યાર બાદ તેઓ ગુજરાતમાં ગયા હતા. પુના પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ હત્યારાના ફોટો ગુજરાત પોલીસને આપવામાં આવ્યા હતા.

આ ત્રણ ફોટો લઈ પોલીસ કચ્છ આવી હતી, છબીલ પટેલની માલિકીના બે ફાર્મ હાઉસ કચ્છમાં આવેલા છે. જેમાં એક ફાર્મ હાઉસ ભુજમાં આવેલુ છે. પોલીસ દ્વારા ભુજના ફાર્મ હાઉસના સ્ટાફને આ ત્રણ ફોટોગ્રાફ બતાડતા તેમણે ત્રણ પૈકી બે ફોટોવાળી વ્યકિતને ઓળખી બતાડી હતી. આ બે વ્યકિત હત્યાના બે દિવસ પહેલા ફાર્મ હાઉસમાં રોકાઈ હતી અને હત્યાના દિવસ પછી તેઓ પાછી ફરી ન્હોતી. આ જાણકારીને આધારે પોલીસ ફાર્મ હાઉસના આ સ્ટાફને પણ પોતાની સાથે વધુ તપાસ માટે લઈ છે. આમ હવે પોલીસની તપાસ છબીલ પટેલની આસપાસ શરૂ થઈ છે કારણ કે સુનિલની ફરિયાદમાં છબીલ પટેલ ઉપર શંકા દર્શાવવામાં આવી છે, ભાનુશાળીના પરિવારનો આરોપ છે કે છબીલ પટેલ દ્વારા રૂપિયા ત્રણ કરોડની સોપારી આપી ભાનુશાળીની હત્યા કરાવી છે. આ અંગે પોલીસે હાલ છબીલ પટેલના ફાર્મહાઉસથી બે વ્યક્તિની ધરપકડ કરી છે.

(આ અહેવાલ સર્વ પ્રથમ 22 જાન્યુ-19 એ મેરાન્યૂઝ દ્વારા પ્રદર્શિત કરાયો હતો)