મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે કાલે રાત્રે તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. ધોળી ગામમાં પટેલ અને ઠાકોર સમાજના બે જૂથ સામસામે આવી જતા ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ધોળી ગામમાં ફાયરિંગ થતાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ગામમાં ફાયરિંગ તથા બે જૂથ સામસામે પથ્થરમારો થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે પટેલ તથા ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે સામ-સામે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ડીવાઇએસપી,પીઆઇ, પીએસઆઇ, સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને હાલ પણ સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આ ઘટનામા ધોળી ગામના વનરાજભાઈ ઉર્ફે કાળુભાઈ નાગજીભાઈ કોળી ઉંમર ૩૮ ને ઈજાઓ પહોંચી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વનરાજભાઈ ધોળી ગામની બહાર આવેલ જુના સ્મશાન પાસે પહોંચતા રોડ ઉપર સામેથી એક સફેદ કાર આવેલ અને ગાડી ચાલકે વનરાજભાઈની સામે વનરાજભાઇને હાથના ઈશારા વડે લાઇટ ડીમ કરવાનો ઈશારો કરી ગાડી નજીક આવી ઉભી રાખેલ અને ગાડીમાંથી ધોળી ગામના પ્રકાશભાઈ મકનભાઈ પટેલ, મેહુલભાઈ દલસુખભાઈ પટેલ, મયુરભાઈ અમૃતભાઈ પટેલ ત્રણેય ગાડીમાંથી ઉતરી વનરાજભાઈ ને કહેવા લાગેલ કે અમો રસ્તા બાબતનો કેસ જીતી ગયા છીએ તેમ છતાં તમે કેમ અમોને રસ્તે પર ચાલવા દેતા નથી આજે તો તમને પતાવી દેવા છે તેમ કહી આરોપી પ્રકાશભાઈ એ પોતાના હાથમાં રહેલ બંદુક વડે ફાયરિંગ કરી વનરાજભાઈ ના ડાબા પગના નીચેના ભાગે ઇજા કરી તથા મેહુલભાઈ તથા મયુર ભાઈ એ લોખંડના પાઇપ વડે ફરિયાદી વનરાજભાઈ ને આડેધડ માર મારી ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વનરાજભાઈ નાગજીભાઈ કોળી એ ધોળી ગામના આરોપી પ્રકાશભાઈ મકનભાઈ પટેલ,મેહુલભાઈ દલસુખભાઈ પટેલ,મયુરભાઈ અમૃતભાઈ પટેલ ત્રણેય આરોપીઓ વિરૂધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં એકબીજાને મદદગારી કરી ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયારબંધી જાહેરનામા નો ભંગ કરી અને જીવલેણ હુમલો કર્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.પી.વાસુનીયા ચલાવી રહ્યા છે.