પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પુવાલમા સીઆરપીએફના જવાનો ઉપર હુમલો થયો ત્યારે ગુજરાત સમાચારનું હેડીંગ હતું 56ની છાતીની કાયરતા, બસ આ હેડીંગ પછી એક આખી ફૌજ મેદાનમાં ઉતરી ગઈ, ફૌજના કેટલાંક સૈનિકો ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહને ફોન કરી ધમકાવવા લાગ્યા અને કેટલાંકે ગુજરાત સમાચાર બંધ કરો તેવું ફરમાન કરી દિધું, ગુજરાતના અનેક વિસ્તારમાં ગુજરાત સમાચારની કોપીએ બંધ પણ થઈ તે પણ એટલુ જ સાચુ છે. ગુજરાત સમાચારના પ્રતિસ્પર્ધી ગેલમાં આવી ગયા, તેમને લાગ્યુ કે વર્ષો પછી આપણા સારા દિવસો આવ્યા છે. ગુજરાત સમાચારની વાંચકો ઉપરની પક્કડ હવે ઢીલી પડી રહી હોય તેવું લાગ્યું હતું.

અહિયા પ્રશ્ન તે નથી કે ગુજરાત સમાચારની કોપીઓ ઘટે અને બીજા અખબારની કોપીએ કેટલી વધે, તેની સાથે એક સામાન્ય માણસને કોઈ નીસ્બત નથી અને હોવી પણ જોઈએ નહીં. કોપી વધવા અને ઘટવાની ચિંતા જેઓ અખબારનો ધંધો કરે છે તેમની જ છે, પણ અહિયા પ્રશ્ન હતો કે 56ની છાતીની કાયરતા હેડીંગ પત્રકારત્વની દ્રષ્ટીએ સાચુ છે કે નહીં, જ્યારે આ હેડીંગને લઈ હોબાળો થયો અને સમાજનો એક પ્રવાહ ગુજરાત સમાચારની સામે હતો ત્યારે પણ અમે કહ્યું હતું કે શ્રેયાંસ શાંતિલાલ શાહ સામે કોઈને પણ એક હજાર વાંધા હોય તો પણ તેમને પત્રકારત્વની સાચી સમજ અને હેડીંગની પાક્કી સમજ છે.

શ્રેયાંશ શાહે 56ની છાતીની કાયરતાની વાત કરી હતી, કોની કાયરતા છે તેવું કયાં લખ્યું ન્હોતું છતાં  નરેન્દ્ર  મોદીના સમર્થકો સમજી ગયા કે ગુજરાત સમાચારે તેમના નેતા મોદીને જ કાયર કહ્યા છે. ગુજરાત સમાચારે નરેન્દ્ર મોદીની કાયરતાની વાત કરી હતી. એક બાબત દરેકે મગજનો તમામ કચરો બહાર કાઢી સમજી લેવાની જરૂર છે કે નરેન્દ્ર મોદી અથવા અન્ય કોઈનો વિરોધ કરવો અથવા તેમની વિરૂદ્ધ લખવું તેનો અર્થ ભારત વિરોધી કે દેશદ્રોહી છે તેવો થતો નથી. કારણ નરેન્દ્ર મોદી દેશ નથી તે તમારા અને મારા જેવા માણસ છે. આપણે એક તબ્બકે માની લઈએ કે શ્રેયાંસ શાહના કામો સરકારમાં થતા નથી તેના કારણે તેઓ નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લખે છે. વાત સાચી હોય તો પણ નરેન્દ્ર મોદીનો વિરોધ એટલે દેશનો વિરોધ નથી.

મુળ વાત કાયરની છાતી શબ્દ પ્રયોગનો છે. 2014 પહેલા દેશની સરહદો ઉપર જ્યારે ભારતીય સેનાના જવાનો માર્યા જતા હતા, ત્યારે નરેન્દ્ર મોદી સહિત તમારૂ અને મારૂ પણ લોહી ઉકળી જતું હતું. આપણને થતુ હતું કે આ ક્યારે અકટશે.. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તેમણે મનમોહનસિંગ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું પાકિસ્તાનને પ્રેમ પત્ર લખવાથી પ્રશ્નનું સમાધાન મળશે  નહીં, પાકિસ્તાનને જવાબ આપવા 56 છાતી જોઈએ. પ્રજાને નરેન્દ્ર મોદીની વાત સાચી લાગી કારણ તેમની વાતો અને તેમના શબ્દોમાં દમ હતો. 2014માં દેશની પ્રજાએ  તેમને સત્તાનું સુકાન સોંપ્યુ તે ભરોસા સાથે કે તમે દેશની સરહદો અને દેશની આંતરિક સલામતી સંભાળશો.

2014 પછી પણ ભારતીય સેનાના જવાનો કીડી મકોડાની જેમ મરતા રહ્યા હતા. દેશના તમામ સંવેદનશીલ નાગરિકના મનમાં સવાલ હતો કે નરેન્દ્ર મોદી છે છતાં આપણી સેનામાં આવી લાચારીમાં કેમ છે. આવી ઘટનાઓની પરંપરા ચાલતી રહી, ફેબ્રુઆરી 2019માં પુલાવામાં આપણા 42 જવાનો માર્યા ગયા, દેશ સ્તબ્ધ હતો, પત્રકારત્વનું કામ શાસકોની કોલર પકડી તેમને ઢંઢોળવાનું છે. શાસકને તેની ફરજો યાદ કરાવવાનું છે. પત્રકારત્વ જો ચાપલુસી કરશે તો શાસક ઐયાશ થઈ જશે અને પ્રજા પાયમાલ થઈ જશે. ગુજરાત સમાચારે તે જ કર્યું હતું તે દિવસે, જે દેશના તમામ પત્રકારોએ ખરેખર કરવાની જરૂર હતી. કાયરની છાતી કહી ગુજરાત સમાચારે દેશના ચોકીદારને જગાડવાનું કામ કર્યું. કદાચ નરેન્દ્ર મોદી સહિત તેમના સમર્થકોને માંઠુ લાગવુ સ્વભાવીક હતું, પણ જો શાસકને માઠું લાગે નહીં તો તેઓ હલતા પણ નથી.

26 ફેબ્રુઆરીની વહેલી સવારે ભારતીય વાયુ સેનાના ફાઈટર્સ પીઓકેમાં ઉડવા લાગ્યા અને બોમ્બ ફેંકવા લાગ્યા, પણ દેશની આ જ અપેક્ષા હતી. આપણે પાકિસ્તાનને હણવા માગતા નથી, પણ તેમને કહેવા માંગીએ છીએ કે અમારી સામે નજર સુધ્ધા કરતા નહીં. તા 27મી ફેબ્રુઆરી જે ગુજરાત સમાચારે કાયરની છાતી શબ્દનો પ્રયોગ કર્યો હતો અને આજે 56ની છાતીની મર્દાનગી, તો હવે ગુજરાત સમાચારનું કયું હેડીંગ સાચુ છે. તો વાત એકદમ સરળ છે પુલવામાં હુમલો થયો ત્યારે કાયરની છાતીની હતી પણ 26 ફેબ્રુઆરી નરેન્દ્ર મોદીએ સાબીત કર્યું કે તેઓ કાયર નથી.