મેરાન્યૂઝ નેટવર્ક, આણંદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ અને નડિયાદ વચ્ચે આજે રવિવારે એક કાર ટ્રેલરની વચ્ચે ઘુસી જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે અને બે વ્યક્તિને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગુજરાતના ભરુચ પાસિંગની સિયાઝ (Ciaz) કાર નંબર GJ 16 CB 6537  અને ટ્રેલર નંબર GJ 05 AT 3354 વચ્ચે આણંદ અને નડિયાદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરના આગળના અને પાછળના ભાગની વચ્ચે ઘુસી ગઇ હતી અને દૂર સુધી ઢસડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અને બે લોકોને એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોની ઓળખ માટે પોલીસે કાર્યવાહી હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદવાદ અને વડોદરા વચ્ચે એક્સપ્રેસ હાઇવે અને નવો સિક્સ લેન નેશનલ હાઇવે બંને પ્રકારના વિકલ્પ પરિવહન માટે છે. પરંતુ આ બંને હાઇવે પર ટોલ ટેક્સમાં મોટો તફાવત છે. એક્સપ્રેસ વે પર ટોલટેક્સના ભાવ ઓછા હોવાથી ટ્રક અને કાર ચાલકો એક્સપ્રેસ વે વધુ પસંદ કરે છે અને તેના કારણે આ હાઇવે ટ્રાફિકનું ભારણ વધારે છે. ઘણા ટ્રક ચાલકો પ્રથમ લેનમાં જ ભારે વાહનો ચલાવે છે જેના કારણે કાર ચાલકો રોંગ સાઇડમાંથી ઓવરટેક કરવા મજબૂર બને છે અને છાશવારે એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતો સર્જાય છે. જો એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું પાલન થાય તો ઘણી માનવ જિંદગીઓ બચી શકે.