જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): કચ્છની અબડાસા બેઠકની પેટા ચૂંટણીનાં પ્રચાર વચ્ચે કોંગ્રેસનાં બે સક્રિય કાર્યકારને 'ઉઠાવી' લેવાની વાતથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસનાં ઉમેદવાર ડો.શાંતિલાલ સેંઘણીના ખૂબ જ નજીકનાં સુરેશ કાનજીયાણી તેમજ શંકરલાલ કાનાણી નામનાં બે કાર્યકર છેલ્લા ચારેક દિવસથી ભેદી રીતે ગાયબ થઈ ગયા છે. તેમના મોબાઈલ ફોન પણ સતત બંધ આવી રહ્યા છે તેવામાં તેમનું અપહરણ કરીને મોરબી લઈ જવામાં આવ્યા હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે.

પેટા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ, બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. ચૂંટણીમાં શામ, દામ અને દંડ ભેદ સહિતનાં હાથકંડા અજમાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનાં કટ્ટર અને સમર્પિત કાર્યકર  મોટી વિરાણીનાં સુરેશભાઈ ઇશ્વરલાલ કાનજીયાણી તેમજ નખત્રાણાનાં કૈલાશનગરમાં રહેતા શંકરલાલ હંસરાજભાઈ કાનાણી ભેદી સંજોગોમાં ગાયબ થઈ ગયા છે. સુરેશભાઈ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચુક્યા છે. જયારે શંકરલાલ કાનાણી પાણી-પુરવઠા વિભાગનાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને પાટીદાર સમાજમાં તેમનું સારું એવું સ્થાન છે. સુત્રોનું માનીએ તો તેમને છેલ્લા ઘણા દિવાસથી પ્રચારમાંથી અળગા રહેવા માટે દબાણ હતું. તેમનું છેલ્લું લોકેશન મોરબીમાં મળ્યું હતું. પાટીદાર સમાજનાં અગ્રણી અને કોંગી ઉમેદવારના સમર્થક કાર્યકર ગાયબ થઈ જવાની ઘટનાથી પેટા ચૂંટણી અને પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે.


 

 

 

 

 

પાણીનો પ્લાન્ટ પણ બંધ કરાવી દીધો

કોંગ્રેસ માટે કામ કરતા તથા કયાંક ને કયાંક કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો ઉપર પ્રેશર કરવામાં આવતું હોવાની વાત ચર્ચાઈ રહી છે. ગાયબ થયેલા સુરેશભાઈ લખપતમાં આર્ચીયન નામની કંપનીમાં પાણી આપવાનો કોન્ટ્રાકટ છે. તેમનો પાણીનો પ્લાન્ટ પણ તંત્ર દવારા બંધ કરાવી દેવામાં આવેલો છે.