પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1984થી અયોધ્યાયમાં રામ મંદિર બને તે માટે શરૂ થયેલી રામ જન્મભુમી આંદોલનના વિવાદનો આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અંત આવ્યો છે. પરંતુ આ આંદોલનને કારણે અયોધ્યા સહિત દેશભરના વિવિધ શહેરમાં થયેલા તોફાનમાં બે હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. જેમાં 1990માં વિશ્વ હિન્દુ પરિષદે કરેલી પ્રથમ કાર સેવા માટે ચાલીસ હજાર કરતા વધુ કાર સેવકોએ દેશભરમાંથી કુચ કરી હતી. જો કે આ કુચને રોકવા માટે ઉત્તર પ્રદેશ પોલીસના 28 હજાર સશસ્ત્ર પોલીસને ખડકી દેવામાં આવી હતી, આમ છતાં એક હજાર જેટલા કાર સેવકો અયોધ્યામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા. જેમાં કલકત્તાના વીસ વર્ષના બે સગા ભાઈઓ તો વિવાદાસ્પદ બાબરીના ઢાંચા ઉપર ભગવો લઈ ચઢી ગયા હતા, જય શ્રીરામના નારા લગાવતા આ કોઠારી બંધુઓ કઈ સમજે તે પહેલા પોલીસે કરેલા ગોળીબારમાં બંન્ને ભાઈઓ ઢાંચાની ઉપર જ મૃત્યુ પામ્યા હતા, જો કે આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્સવ મનાવી રહેલા ભાજપ અને પરિષદને આ કોઠારી બંધુઓ અને તેમની જેવા માર્યા ગયેલા હજારો લોકોની યાદ સુધ્ધા નથી.

1984માં શરૂ થયેલી રામ જન્મભુમી આંદોલને 1990માં એક ઉંચાઈ પ્રાપ્ત કરી હતી, ઓકટોબર મહિનાના અંતમાં અયોધ્યા પહોંચવા માટે કાર સેવકોને આહ્વાહન કરવામાં આવ્યું હતું. જેના કારણે રામ મંદિર બનવુ જોઈએ તેવું માનતા હજારો કાર સેવકોએ દેશભરમાંથી અયોધ્યા તરફ કુચ કરી હતી. ઉત્તર પ્રદેશમાં ત્યારે મુખ્યનમંત્રી પદે મુલાયમસિંહ યાદવ હતા, તેમણે દિલ્હી અને આસપાસના જિલ્લામાંથી અયોધ્યાય આવી રહેલી તમામ ટ્રેન અને બંસ બંધ કરી દીધી હતી. જેથી કરી કાર સેવકો અયોધ્યા પહોંચે નહીં, પણ ટ્રેન અને બસ બંધ થઈ જતા કાર સેવકોએ ચાલતા અયોધ્યા તરફ કુચ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસના આંકડા પ્રમાણે ચાલીસ હજાર લોકો અયોધ્યા તરફ આવી રહ્યા હતા. જેમને રોકવા અયોધ્યામાં 28 હજાર સશસ્ત્ર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી અને તેમને ગોળીબાર કરવાની મંજુરી આપી દેવામાં આવી હતી.

અયોધ્યાનમાં પ્રવેશ કરવાના તમામ રસ્તાઓ બંધ હતા અને બેરીકેટ મુકી દેવામાં આવી હતી, આમ છતાં એક હજાર જેટલાં કાર સેવકો નાના અને સાંકડા રસ્તે અયોધ્યામાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા અને તેઓ વિવાદાસ્પદ ઢાંચા સુધી પહોંચી ગયા હતા. આ કાર સેવકો ઉપર પોલીસે પહેલા લાઠીઓ વરસાવી અને ત્યાર બાદ ટીયર ગેસ છોડયા હતા પણ આ દરમિયાન કલકત્તાથી આવેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યવાહક રાજકુમાર કોઠારી જેમની ઉમંર માત્ર 22 વર્ષની હતી અને તેમના નાના ભાઈ શરદકુમાર કોઠારી જે કલકત્તાની વિક્રમ શાખાના મુખ્ય શિક્ષક હતા. તે માત્ર વીસ વર્ષના હતા. આ બંન્ને કોઠારી ભાઈઓ હાથમાં ભગવો ઝંડો લઈ ગુંબજ ઉપર ચઢી ગયા હતા અને જય શ્રીરામના નારા લગાવવા લાગ્યા હતા,

આમ આટલા મોટા બંદોબસ્ત વચ્ચે બાબરીના ગુંબજ ઉપર ચઢી જય શ્રીરામનો નારો લગાવી રહેલા કોઠારી ભાઈઓ તરફ પોલીસનું ધ્યાન ગયું ત્યારે પોલીસે તેમની ઉપર નીચેથી ગોળી ચલાવી અને તેઓ જય શ્રીરામના નારા સાથે ત્યાં જ ઢળી પડયા હતા. આ દિવસ 2 નવેમ્બર 1990નો હતો તે દિવસ પોલીસ ગોળીબારમાં દસ જેટલા કાર સેવકો માર્યા હતા પરંતુ રામ મંદિર માટે જેમના સૌથી પહેલા મોત થયા તેમાં કોઠારી બંધુઓ પહેલા હતા, ક્રમશઃ ત્યાર બાદ 1993માં પણ આવી જ ઘટનાઓ ઘટી હતી. જયારે બાબરી મસ્જીદ ધ્વંસ થઈ અને દેશભરમાં તોફાન થયા જેમાં હિન્દુ મુસ્લિમ સહિત 2000 લોકોના મોત થયા હતા. જો કે આટલા વર્ષો ચાલેલા આંદોલનમાં એક પણ નેતા અથવા તેમના પરિવારજનો પૈકી કોઈને ગોળી વાગી નહીં અને મોત થયા નહીં કાયમ ધર્મના નામે લડતા ગરીબ હિન્દુ મુસ્લીમ જ માર્યા જાય છે તેનું આ ઉદાહરણ છે.