મેરાન્યૂઝ નેટવર્ક.ધનસુરાઃ અરવલ્લી જીલ્લામાં ૧૨ કલાકમાં ત્રણ અકસ્માતમાં ૮ લોકોના અકસ્માતમાં મોત નિપજતા હાહાકાર મચ્યો હતો. માલપુર નજીક ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા મામેરું લઇ જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા ૬ લોકોના મોત નીપજ્યાની શાહી સુકાઈ નથી ત્યાં ધનસુરાના બીલવણીયા નજીક ઇકો કાર પલ્ટી જતા કારમાં સવાર ૮ વર્ષીય બાળકના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અન્ય એક અકસ્માતમાં રમોસ-સરતાનપુરા રોડ પર ટ્રેક્ટરે બાઈક ચાલકને કચડાતા મોત નિપજતા ધનસુરા પોલીસે બંને મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ધનસુરા બીલવણીયા કંપા નજીકથી પસાર થતી ઇકો કારના ચાલકે ગફલતભરી રીતે પુરઝડપે હંકારતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર અને અભ્યાસ અર્થે જઈ રહેલો શરડી ગામનો હિમેશ કાંતિભાઈ ભરવાડ (ઉં.વર્ષ-૮) નામના બાળકને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું. બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા ભારે રોકક્કળ કરી મુકી હતી. તેમના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડી વિરમ ભાઈ રણછોડભાઈ ભરવાડની ફરિયાદના આધારે ઇકો કાર ચાલક કમલેશ કોદરભાઈ પગી વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બીજી તરફ ધનસુરાના રમોસ-સરતાનપુર રોડ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રેક્ટરના ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક બલવંતસિંહ કેશરીસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. ધનસુરા પોલીસે અર્જુનસિંહ માનસિંહ પરમાર (જુના વડવાસા) ની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.