કરન થાપર, નવી દિલ્હી: આજકાલ ટેલિવિઝન ન્યૂઝ ચેનલોનો રાફડો ફાટ્યો છે. પચ્ચીસેક વર્ષ પહેલા તો ટેલિવિઝન પર ન્યૂઝ આપવા એ માત્ર સરકારી ચેનલોનો ઇજારો હતો. દરેક ઘરમાં દૂરદર્શન જ જોવાતું હતું. આજે દેશમાં ચારસોથી વધુ માત્ર સમાચાર આપતી ચેનલો છે. હા, ઘણી ચેનલો એવી પણ છે તેઓ તેમના દિવસના કાર્યક્રમમાં ચારથી છ વખત ન્યૂઝ આપે છે. વિદેશની ચેનલો પણ હવે આસાનીથી જોઈ શકાય છે. તેમાં બીબીસી, સીએનએન, અલ જઝીરા તથા ન્યૂઝ એશિયા જેવી ચેનલોનો સમાવેશ થાય છે. આજે ટેલિવિઝન પર દરેક ઘરમાં ન્યૂઝ પણ ખાસ્સા જોવાતા થઈ ગયા છે. તેમાંય ટીઆરપી માટેની ખેંચતાણ જોવા મળે છે. ન્યૂઝ બ્રોડકાસ્ટરમાં બ્રેકિંગ ન્યૂઝ આપવાની હોડ પણ જબરદસ્ત હોવાનું જોવા મળે છે. ન્યૂઝ ચેનલોની લોકપ્રિયતા વધી રહી હોવાથી જાહેરાત આપનારી કંપનીઓ પણ તેમના પ્રોડક્ટને પ્રમોટ કરવા તેમની તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યા છે. તેનો એક ફાયદો થયો છે. આજે દેશના લોકો પહેલાના જમાના કરતાં વધુ માહિતગાર રહેતા થઈ ગયા છે. ઓછું ભણેલી અને અભણ મહિલાઓ પણ ટેલિવિઝનના સમાચાર સાંભળીને જાણકારી રાખતી થઈ ગઈ છે. દર્શકોના કાન પર ચારેય તરફથી સમાચારનો મારો થઈ રહ્યો છે. તેમાં રાજકારણીઓ વધુ અને જે તે ક્ષેત્રના ખરેખર નિષ્ણાતો ઓછા હોવાથી તમે એકથી બે કલાક માત્ર રાજકીય નેતાઓને સામસામા આક્ષેપ જ કરતાં જુઓ છો. તેમાંથી નક્કર ઉકેલ જડતો જ નથી. ગુજરાતમાં ફી નિયમન વિધેયક રજૂ કરાયાના લગભગ બે વર્ષ થવા આવ્યા તેમાં સેંકડો ચર્ચાઓ ટેલિવિઝન પર યોજાઈ ગઈ, પરંતુ તેના નક્કર ઉકેલની વાત બહુ જ ઓછા પ્રમાણમાં આવી છે. માત્ર ટેલિવિઝન પર ચહેરો દેખાઈ જાય તેવા ઇરાદા સાથે જ ચર્ચામાં ભાગ લેવા આવેલા લોકો બેફામ નિવેદનો કરીને નીકળી ગયા છે. ખાનગી શાળાઓ દ્વારા બેફામ વસૂલાતી ફીની સમસ્યા આજેય વણઉકલી જ છે. અમદાવાદની ટેલિવિઝન ન્યૂઝ ચેનલની ડિબેટમાં સતત ભાગ લેતા પર્યાવરણવિદ મહેશ પંડ્યાનું કહેવું છે કે ચેનલોમાં ન્યૂઝને વાઈબ્રન્ટ બનાવવાની ધૂન છે. તેથી તેમાં ચોકસાઈનો અભાવ રહી જાય છે. સનસની ફેલાવવા માટેના પ્રયાસો વધુ હોવાનું જોવા મળે છે. ચેનલોમાં યોજાતી ડિબેટ પણ પોલિટીકલ એજન્ડાનો એક હિસ્સો જ હોય છે. તેમાં તટસ્થતાનો અહેસાસ કરાવવા માટે એક બે ન્યુટ્રલ વ્યક્તિઓને બેસાડી દેવામાં આવતા હોવાનું જોવા મળે છે. ડિબેટમાં બહુધા રાજકીય પક્ષોની આપસી લડાલડી જ જોવા મળે છે. ભાજપ, આરએસએસ હોય કે પછી કોંગ્રેસ હોય તેઓ તેમના સમર્થકને ડિબેટમાં ગોઠવીને એક જુદી જ આભા ઊભી કરવાનો પ્રયાસ કરે છે. વાસ્તવમાં તેમના માણસો પણ પોલિટિકલ એજન્ડા સાથે જ આવેલા હોય છે. તેથી જ તમે કઈ ન્યૂઝ ચેનલ જુઓ છો તેના પર પણ તમારી પાસેની માહિતીની સચ્ચાઈનો મદાર રહેલો છે. છતાંય પશ્ચિમના દેશોમાં ચેનલોના સમાચારો સામે પણ સવાલ ઊઠવાના શરૂ થઈ ગયા છે. પરંતુ ભારતમાં હજી આ બાબત તેટલી વ્યાપક સ્તરે પહોંચી નથી. જોકે સમાચારની સચ્ચાઈ સામે સવાલો કરવાનો આછો આરંભ થયો છે ખરો.

આજે ટેલિવિઝન ન્યૂઝ ચેનલો મારફતે સમાચારો એટલા વધારે આવી રહ્યા છે કે બીજા દિવસે અખબારો વાંચવાની જરૂર રહેતી નથી. ચેનલો પર ન્યૂઝ  તત્કાળ એટલે કે ઘટના બન્યાની મિનિટોમાં તેના વિઝ્યુઅલ્સ સાથે જોવા મળી જાય છે. નવસારીમાં બસ ગબડી પડે કે અમેરિકાના મોલમાં ગુજરાતની યુવાનની નિગ્રો દ્વારા હત્યા કરવાની ઘટના બને થોડી જ મિનિટોમાં ભારતીય ચેનલો પર તે પ્રસારિત થવા માંડે છે. તમે ઘટના સ્થળે મોજૂદ હોય તેવા અહેસાસ કરાવતા સમાચારો પ્રસારિત થાય છે. બ્રેકિંગ ન્યૂઝ આપવા માટે પણ ચેનલોમાં હોડ લાગેલી જ રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ આપવાની લાયમાં ન્યૂઝ ચેનલો સનસનાટી ફેલાવી દે છે. ટેલિવિઝન ન્યૂઝની થોડી મર્યાદાઓ પણ છે. એક કેમેરા જેના પર ફોકસ કરવામાં આવ્યો હોય તે જ વિઝ્યુઅલ્સમાં આવે છે. તેના સિવાયનું બીજું કશું જ ચેનલના દર્શકોને દેખાતું નથી. તેથી ઘટના સ્થળે ફરતી આંખને જે જોવા મળે છે તે જોવા મળતું નથી. કેમેરાનો લેન્સ જેના પર ફોકસ કરવામાં આવે તે જ જોવા મળે છે. આ લેન્સ વારંવાર આગના દ્રશ્યો જ બતાવ્યા કરે તો આગ પ્રચંડ હોવાનો અહેસાસ  થાય છે. તેવી જ રીતે વાવાઝોડુ આવ્યો હોય તેની નુકસાનીના જ દ્રશ્યો બતાવ્યા કરે કે તૂટી પડેલા ઝાડ જ બતાવ્યા કરે તો તે વંટોળ પ્રચંડ હોવાની જ લાગણી દર્શકના મનમાં જન્મે છે. પરિસ્થિતિનો આંશિક અંદાજ આવે છે. પૂર્ણ અંદાજ આવતો નથી. કત્લેઆમની ઘટનામાં માત્ર મૃતદેહો પર મૃતદેહો જ બતાવ્યા કરે તો પરિસ્થિતિ હોય તેના કરતાં વધુ ગંભીર બની જાય છે. આ જોઈને દર્શકોનું મન કોઈ ચોક્કસ તારણ પર આવી શકે છે. વાસ્તવમાં તેમનું આ તારણ ખોટું પણ હોઈ શકે છે. આમ દર્શકોને ઘટનાનો સમ્યક-સમતોલ ચિતાર મળે તેની અપેક્ષા મુજબની દરકાર ન્યૂઝ ચેનલો દ્વારા કરવામાં આવતી નથી. આમ ટેલિવિઝને સામાન્ય સમાચારોને સનસનાટી ભર્યા સમાચારમાં રૂપાંતરિત કરી દે છે. ટેલિવિઝન પર આ સમાચાર જોવામાં આવતા હોવાથી તેમાં આંશિક અસત્ય છે, કારણ કે તે કેમેરાના લેન્સની દ્રષ્ટિ મર્યાદામાં જોવા મળેલું ચિત્ર રજૂ કરે છે. ઘટનાસ્થળે મોજૂદ વ્યક્તિની આંખની નજરે આખી ઘટના બતાવવામાં આવતી નથી. આ સમસ્યાનો ઉકેલ લોન્ગ શોટ્સ અને વાઈડ એન્ગલમાં શોટ્સ આપીને લાવી શકાય છે. પરંતુ તેવું ન્યૂઝ ચેનલો કરતી નથી. તેમ જ દ્રશ્યો સાથે મૂકવામાં આવતી કેપ્શનના માધ્યમથી પણ તે ઘટના ભડકાવનારી ન બને તે માટેનો પ્રયાસ કરી શકાય છે. પરંતુ બ્રેકિંગ ન્યૂઝ આપવાની લાયમાં આ બધી જ બાબતોને પત્રકારો નેવે મૂકી દેતા હોવાનું જોવા મળે છે. અત્યારને તબક્કે તો ભારતીય ન્યૂઝ ચેનલોની આ મર્યાદાનો ઉકેલ લાવવો કઠિન જણાય છે. ચેનલના પત્રકારોને આ હકીકતનો અંદાજ પણ અત્યારને તબક્કે હોવાની શક્યતા ઓછી જણાય છે. ટેલિવિઝન ન્યૂઝ ચેનલની પહેલી સમસ્યા એ છે કે તે શું નથી બતાવી શકતી તે છે. બીજું ફિલ્ડ પરના રિપોર્ટર દ્વારા આપવામાં આવતી લાંબીલચક માહિતીને કાનથી સાંભળીને ગ્રહણ કરીને તેને આધારે કોઈ ટીપ્પણી કરી ન્યૂઝ એન્કર માટે અત્યંત કઠિન છે. કેટલીકવાર ગ્રાફિક્સ કે પછી ફોટોગ્રાફ પણ તેમને મદદરૂપ બનતા નથી. તેથી જ ન્યૂઝ ચેનલો ફિલ્મમાં દર્શાવી ન શકાય તેવી બાબતો અંગે વાત કરવાનું ટાળે છે. પશ્ચિમના દેશોના કેમેરાઓમાં વ્યાપક દ્રશ્યો કવર કરી લેવાતા હોવાથી તેમના સમાચારની મર્યાદિત નકારાત્મક અસરો પડે છે.

અખબારો વંચાતા રહ્યા છે તેનું આ એક પણ કારણ છે. ટેલિવિઝન કરતાં અખબારોમાં ઘણાં વધુ સમાચારો જોવા મળે છે. લખનૌની કોલેજોમાં જિન્સ પહેરવા પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પ્રતિબંધ લગાવ્યો હતો તે સમાચાર આપણને ટેલિવિઝન પર જોવા નથી મળતા, પરંતુ અખબારોમાં તે સમાચાર જોવા મળે છે. તેનું કારણ એ છે કે તેને માટે વિઝ્યુઅલ્સ કોઈ જ હોતા નથી. તેવી જ રીતે  ટોળા દ્વારા હત્યા કરી નાખવાની ઘટનાઓ આપણને વાંચવા કે સાંભળવા મળે છે. પરંતુ તેના દ્રશ્યો જોવા મળતા નથી. હા, કેટલાક કિસ્સાઓમાં સોશિયલ મિડીયા (ફેસબુક કે વોટ્સઅપ) પર તેના વિડીયો વાયરલ થઈ જતાં જોવા મળે છે. દેશનું બજેટ કે રાજ્યનું બજેટ બધાં માટે બહુ જ મહત્વનું છે. છતાંય ટેલિવિઝન પર તે જોવું કંટાળાજનક લાગે છે, કારણ કે તેમાં વિઝ્યુઅલ્સનો અભાવ છે. તેમાં માત્ર ને માત્ર બોલવાનું જ હોય છે. તેઓ કોમોડિટીના ભાવ નહિ, તેના પર લાગેલા ટેક્સની વાત કરે છે. કેટલીકવાર તો તેના પરના ટેક્સની ટકાવારીમાં આવેલા ફેરફારની વાત કરતાં હોવાનું જોવા મળે છે. તેનું વિઝ્યુલાઈઝેશન કરવું અને દર્શકોના મનમાં ઠસી જાય તે રીતે તેને સ્ક્રિન પર દર્શાવવું ઘણુ જ અઘરું છે. તેથી ન્યૂઝ ચેનલો ઘઉં, જુવાર ને બાજરીના કે ટામેટા બટેટાના દ્રશ્યો બતાવ્યા કરે છે.

અમાનવીય હત્યાના કે ગુનાઓના રિપોર્ટિંગમાં ન્યૂઝ ચેનલોની મર્યાદા પણ ગંભીર છે. કોઈની હત્યાના સમાચાર ને ન્યૂઝ ચેનલો ભયાનકતાનું સ્વરૂપ આપી દે છે. તેનાથી તમારી લાગણી દુભાય છે અને તમને તેનાથી ઉબકો આવી જાય છે. ન્યૂઝ ચેનલો ક્યાં, ક્યારે અને કેટલા વાગે આ ઘટના બની તે તો બતાવી દે છે. પરંતુ તે શા માટે થઈ તેના કારણોમાં ઊંડા ઉતરતી ન હોવાનું જોવા મળે છે. કોઈ ધર્મના વડાની હત્યા થઈ હોય તેવા કિસ્સામાં લોકોની લાગણી ઉશ્કેરાઈ જવાની સંભાવના રહેલી છે. તેથી દર્શકો પોતાની રીતે તારણો પર આવી જઈને પ્રતિભાવ આપી બેસતા હોવાનું જોવા મળે છે. તેમની સહિષ્ણુતા ડગમગી જવાની સંભાવના રહેલી છે. જોકે અખબારોમાં આ અહેવાલો વધુ સમ્યક કે સમતોલ રીતે આપી શકાય તેમ હોવા છતાંય અખાબારો પણ તે કાર્ય કરવામાં અપેક્ષા પ્રમાણે સફળ થતાં જોવા મળતા નથી. તેથી આવા સમાચારોની જે અસર ટેલિવિઝન ચેનલો લાવી શકે તેવી અસર અખબારી અહેવાલો લાવી શકતા નથી.

ટીવી ચેનલના ન્યૂઝની મર્યાદાઓ અને સમાચારોને સનસનાટીમાં રૂપાંતરિત કરવાને તેના વલણને જોતાં તેની અસર વધુ પડે છે. આ સમાચારો ટીવી પર વારંવાર પ્રસારિત થતાં હોવાથી પણ તેની અસર વધુ પડે છે. કોઈપણ ઇરાદા વિના અથવા તો પછી 24 કલાકની ન્યૂઝ ચેનલો માટે વારંવાર એક જ સમાચાર પ્રસારિત કરવા ફરજિયાત બની જતાં હોવાથી ઇરાદા વિના પણ સમાચારોમાં થોડી વિકૃતિઓ ઘર કરી જતી જોવા મળે છે. બીજું, ન્યૂઝ સાથે વ્યૂઝ એટલે કે સમાચારોની સાથે જ મંતવ્યો પણ જોખમી રીતે અભિવ્યક્તિ પામતા જોવા મળે છે.

ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર કેન્દ્ર સરકારના મોટા રાજકીય નેતાઓ અને મોભીઓની મુલાકાત લેવાની તેમની શૈલી પણ ઉચિત નથી. રાજકીય નેતાઓને તૈયાર સવાલ મોકલી આપવામાં આવે છે. તેના જવાબ પણ રાજકારણીઓ કે નેતાઓ ઇચ્છે તે પ્રમાણે જ અપાય છે. તેમાં વળતો સવાલ કરીને રાજકીય નેતાને કે મોભીને ભીંસમાં લેવાનો કોઈ જ અવકાશ પણ રહેતો નથી. સમાજને પરેશાન રહેલા સવાલો અંગે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને વારંવાર વિગતવાર જવાબ માગવાન બદલે દરેક સવાલ સાથે તેમનો વિષય બદલાતો રહે છે. તેમાં ઊંડાણ હોતું નથી. રાજકીય મોભીઓને જવાબ આપવા ભારે પડે તેવા સવાલો જ કરવામાં આવતા નથી. જવાબ આપવા કઠિન પડે તેવા સવાલો કરનારા પત્રકારોની કારકીર્દિ પૂરી કરી દેવાની ગોઠવણ પણ રાજકીય મોભીઓ કરી લેતા હોવાથી પણ ઇન્ટરવ્યુ ધારદાર બનતા નથી. તાજેતરમાં જ બનેલી ઘટનાઓ તેના પુરાવારૂપ છે. રાજકારણીઓ તેના માધ્યમથી તેમના રાજકીય એજન્ડા સેટ કરી લે છે. આ ઇન્ટરવ્યુ થઈ ગયા પછી તેમાં ઊઠાવેલા ઇશ્યૂનું ફોલોઅપ પણ કરવામાં આવતું જ નથી. આ ઇન્ટરવ્યુને અંતે દેશમાં કે કોઈ ઇશ્યૂમાં મોટો ફેર આવી જતો નથી. બીજું, રાજકીય મોભીને તેમને મન ફાવે તેટલો સમય બોલવા માટે આપવામાં આવે છે. વિદેશમાં આ રીતે પત્રકારો ઇન્ટરવ્યુ લેતા નથી. ભારતના પત્રકાર ઇન્યરવ્યુ લે છે, પરંતુ તેમના રાજકીય મોભીઓ સાથેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટે લે છે. સમાજના સવાલોનો જવાબ આપવા માટેની ફરજ પાડવા માટે નહિ. તેમની ક્ષતિઓ દેખાડવાનો કોઈ જ પ્રયાસ કરવામાં આવતો નથી. વિરોધ પક્ષની ક્ષતિઓ માટે તેમના પર પ્રહારો કરવાનો મોકો મળે તેવા સવાલો કરવામાં આવે છે. કોઈપણ ચેનલની તેમાં બાદબાકી નથી.

ટેલિવિઝન ચેનલના ન્યૂઝ એન્કર્સ ડિબેટ દરમિયાન તેમને જે પક્ષ તરફ કૂણી લાગણી હોય તેની તરફેણમાં દલીલ કરનારાઓને સાચવી લે છે. તેમને વધુ બોલવાનો સમય આપે છે. જ્યારે તેનો વિરોધ કરનારાઓની દલીલો તોડી પાડતા હોવાનું અને તેમને મુક્તપણે વિચારો વ્યક્ત કરવા દેવાનો મોકો પણ ન આપતા હોવાનું ડિબેટમાં જોવા મળે છે. તેમને બોલતા વારંવાર અટકાવી દેવાય છે. આમ ચર્ચા કરવામાં આવેલી વ્યક્તિ જ તેના ભિન્નમતને કારણે ચર્ચા કરનારની નહિ, આરોપીની કેટેગરીમાં આવી જતી હોય તેવો ઘાટ થતો જોવા મળે છે. તેને પરિણામે દર્શકોને અલગ અભિપ્રાય મળતો અટકી જાય છે. દર્શકોના જ્ઞાનમાં વૃદ્ધિ થતી અટકી જશે. તેમાં તટસ્થતા આવે તે વર્તમાન સમયની જરૂરિયાત છે. બીજું, દર્શકોના મનમાં એન્કરની છાપ પણ ખોટી જ ઊભી થાય છે.

આજે મોટાભાગની ચેનલો રાજકીય પક્ષોના માઉથપીસ જેવી બની ગઈ છે. છતાંય એનડીટીવી જેવી ચેનલો તેમાં અપવાદરૂપ હોવાનું જોવા મળે છે. તેમાં સમાચાર આપ્યા પછી તે અંગેના પરિમાણોની ઊંડાણપૂર્વકની પણ સરળતાથી સમજૂતી આપવામાં આવે છે. તેનાથી કોઈપણ ઘટના અંગે જજમેન્ટ લેવાની સૂઝ દર્શકોમાં કેળવાય છે. દર્શકોને શું બન્યું છે તે તેના હૂબહૂ સ્વરૂપમાં બતાવી દેવામાં આવે તે જરૂરી છે. તે અંગે જજમેન્ટ પર કેવી રીતે આવવું તે જણાવવું જરૂરી નથી. તેનાથી ન્યૂઝ રીડરના પોતાના મંતવ્યોનો મારો દર્શકોના મન પર થાય છે. આ આક્રમણ જરૂરી નથી. તેને કારણે દર્શકની પોતાની વિચારસરણી જ ન હોય તેવા બાળક ગણીને તેમને ટ્રીટ કરવામાં આવતા હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે. તેનાથી દર્શકોની પોતાની બુદ્ધિમતાનો છેદ ઊડી જાય છે.

રાષ્ટ્રવાદની ભાવના સાથેની ટીવી ન્યૂઝ ચેનલો જે રીતના અહેવાલો મૂકી રહી છે તે પણ ચિંતાનો વિષય છે. તેમાં દેશદાઝને લગતી વાતો વિકૃત રીતે રજૂ કરવામાં આવે છે. અપેક્ષિત પ્રતિભાવ મેળવવાના ઇરાદાથી જ તેઓ હોબાળો મચાવતા હોવાનું જણાય છે. તેમના આ પ્રકારના અહેવાલોને પરિણામે દર્શકોને પોતાની રીતે વિચારવાનો અને નિર્ણય લેવાનો અવકાશ મળતો નથી. તેઓ તમારી વિચારસરણીને પણ ચોક્કસ મોડ આપી દેવાનું કામ કરે છે. ફાઈટ ફોર ઇન્ડિયા, લવ માય ઇન્ડિયા, પ્રાઉડ ઇન્ડિયન, ટેરર સ્ટેટ પાકિસ્તાન, એન્ટિ નેશનલ જેએનયુના નામથી તેઓ અહેવાલો રજૂ કરીને જનાક્રોશને ભડકાવવાનું કામ કરે છે. 

નવ યુગના પત્રકારો ચોક્કસ સિદ્ધાંતો કે માન્યતાઓને વરેલા હોતા નથી. સમય સાથે આ બધું બદલાયા કરે પરંતુ સત્ય સાથે સમાધાન કરી જ ન શકાય. સાચું પત્રકારત્વ હોય તે ઢાંક્યું ઢંકાતું નથી અને ખોટી પત્રકારત્વ ગમે તેટલું સંતાડી રાખવામાં આવે તો પણ તે બહાર આવ્યા વિના રહેતું જ નથી. પત્રકારત્વને લોકપ્રિય બનાવવા લોકોના મૂડને જોઈને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત ભલે કરવામાં આવે, પરંતુ આ બહાના બહુ લાંબા ચાલતા નથી. પત્રકારત્વને લોકપ્રિય બનાવવા માટે તેના ધોરણોને નીચે લઈ જવા કોઈપણ રીતે ઉચિત ઠરતું નથી. દર્શકોએ પણ અર્ધસત્યને કે પછી ખોટી રજૂઆતોને સ્વીકારવી જોઈએ નહિ. બલકે મીડિયા અર્ધ સત્યો રજૂ કરે છે તેવું ખાસ્સા દર્શકો પણ માને જ છે. તેમ કરતાં રહીશું તો સમાચારોના કથળેલા ધોરણો માટે આપણે પોતે જ જવાબદાર ગણાઈશું.

આજે મીડિયા તેની વિશ્વસનિયતા ગુમાવી રહ્યું છે. તેઓ બેલેન્સ ન હોવાનું અને તેમાં ચોકસાઈનો અભાવ હોવાનું દરેક જણ માની રહ્યા છે. એક જમાનામાં જેને જેહાદ ગણવામાં આવતી હતી તે આજે બિઝનેસ બની ચૂક્યું છે. કેટલાક કિસ્સાઓમાં તો તે બિઝનેસથી પણ નીચલી કેટેગરીમાં આવી ગયું છે. તેથી જ ટેલિવિઝન કે અખબારમાં આવતા દરેક સમાચારો સત્ય જ હોય તેવું સ્વીકારી લેવામાં આવતું નથી. સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ આપનારાઓ ટ્રોલ થાય જ છે. તેની સીધી અસર ચેનલની કે અખબારની વિશ્વસનિયતા પર પડે જ છે. આજે મીડિયાની છબિ ખંડિત થઈ ચૂકી છે. મીડિયા નિષ્પક્ષપાતી કે વાજબી હોવાનું બધાં માનતા નથી. મીડિયામાં જેમની સામે આક્ષેપ થયા હોય તેમને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવાના કાયદેસરના અધિકાર આપ્યા વિના જ કોઈ વ્યક્તિ કે સંસ્થાને જજ કરી લેવામાં આવે છે અને તેણે ખોટું કર્યું હોવાનું જાહેર કરી દેવામાં આવે છે. આ પ્રકારના કેટલાક કિસ્સાઓમાં પત્રકારો પણ ખોટા હોઈ શકે છે. તેથી જાણતા કે અજાણતા કોઈ વ્યક્તિ કે સંસ્થાની છબિ ખરડાઈ જાય છે. પહેલાના સમયમાં ખોટું કરનારી સરકાર સામે વોચડોગ તરીકે ઘૂરકીયા કરનારા પત્રકારો આજે સરકારના રખેવાળો બની રહ્યા હોવાનું વધુ જણાઈ રહ્યું છે. તેમને બધાંની ગુડબુકમાં જ રહેવું છે. આ પદ્ધતિને અનુસરનારાઓ ભૂલી ગયા છે કે દર્શકો એ મૂકબધિર પશુઓ નથી. તેથી જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોનિક મીડિયાને જાહેર અદાલતમાં ઉતારી પાડ્યું ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાની પડખે રહેવાને બદલે અખબારોએ કોર્ટના સૂરમાં સૂર પુરાવ્યો હતો.

આજે આપણા દેશમાં 400થી વધુ સ્વતંત્ર ચેનલો ચાલી રહી છે. તેમાંથી કેટલી ચેનલો આકરી કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતરી શકે તેમ છે? આમાંથી એક પણ ચેનલ સીએનએન કે પછી બીબીસીના પેગડામાં પગ ઘાલી શકે તેવી છે ખરી? આ સવાલનો જવાબ એક પણ ચેનલ ગળું ખોંખારીને આપી શકે તેમ નથી. પરંતુ દુનિયામાં ક્યારેય કોઈ પોઈન્ટ, નો રિટર્ન પોઈન્ટ હોતો જ નથી. દરેક ચેનલ આ દ્રષ્ટિએ વિચારીને નવેસરથી નવી કેડી કંડારવાનું શરૂ કરી શકે છે. હા, તે માટે તેમણે તેમના સંપૂર્ણ માળખા એટલે કે ન્યૂઝ એન્કર, ન્યૂઝ રીડર અને ન્યૂઝ ગેધરર્સના માળખાને બદલી નાખવું પડશે. તેમની પાસે ઊંડી સૂઝ અને સમજ ધરાવતા અને કમિટેડ પત્રકારોની ફોજ હોય તે જરૂરી છે. તેમના થકી દરેક મહત્વના ન્યૂઝનું બારીક વિશ્લેષણ થાય તે પણ વર્તમાન સમયની જરૂરિયાત બની ચૂકી છે. આ થશે ત્યારે જ ડિબેટમાં સામસામા આક્ષેપો થવાને બદલે ગંભીર ચર્ચા થશે. આ વિચારમંથનમાંથી ઉકેલની નવી કેડી જડી આવશે. આ અઘરું છે, પણ અશક્ય નથી. ટેલિવિઝન ન્યૂઝ ચેનલોના અઢી દાયકાની સફર પછી દર્શકો આટલી અપેક્ષા રાખે તે સહજ છે. તેમ થશે ત્યારે જ ન્યૂઝ ચેનલો માટે નવી આશાનો સૂરજ ઉગશે, તેમાં કોઈ જ બે મત નથી.

કરન થાપર દ્વારા લખાયેલ આ આર્ટિકલ ધ વાયરમાંથી સાભાર લેવામાં આવ્યો છે.