મેરાન્યૂઝ નેટવર્ક,ગાંધીનગર: આમ તો રસોડું એટલે અડધો વૈધ કહેવાય છે. તેમાંય હળદરના ગુણધર્મો જોઈએ તો કદાચ શરીરમાં લોહીથી માંડીને અન્ય અનેક અંગો માટે હળદર કેટલી ઉપયોગી છે તે સમજાશે. હળદરને માત્ર મસાલાના ઉપયોગ તરીકે જ ન જોતાં તેમાં રહેલા ઔષધીય ગુણોનો ખજાનો પણ એટલો જ વિશાળ છે. રોજીંદા જીવનમાં જમવા સિવાય અનેક બીમારીઓ દૂર કરવામાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરનું રોજ સેવન કરવાથી આપઆપણું શરીર અનેક સ્વાસ્થ્ય વિષયક ફાયદાઓ મેળવે છે. રોજબરોજના ઉપયોગમાં હળદર ખાવાથી તમારી યાદશક્તિ સુધરે છે અને સ્ફૂર્તિ આવે છે.

હળદરમાં સમાયેલા ‘કર્ક્યુંમીન’માં ઓક્સીકરણ-અવરોધી ગુણ હોય છે. તેને એક સંભવિત કારણ તરીકે ઓળખાય છે તેની સાથે ભારતમાં જ્યાં કર્ક્યુંમીન ભોજનમાં શામિલ થાય છે, વૃધ્ધોને અલ્ઝાઈમરની ઓછી અસર થાય છે. તેમની યાદશક્તિ પણ આમ તો  સારી જ  હોય છે. લોસ એંજેલેસની યુનીવર્સીટી ઓફ કેલીફોર્નિયાની શોધ મુજબ કર્ક્યુંમીન પોતાની અસર કેવી રીતે કરે છે તે તો હજી અસ્પષ્ટ છે, પરંતુ માનસિક ઉત્તેજનાને ઓછી કરવા માટે તેની ઉપયોગિતા વધુ છે એમ કહેવાય છે. જ્યારે શરીરના ઝેરીલા તત્વોને કાઢવા માટે અને લોહીની શુદ્ધિ માટે હળદરનો જ્યુસ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યુસ બનાવવા માટે હળદરમાં લીંબુ અને સ્વાદ અનુસાર મીઠું ભેળવી જરૂરીયાત મુજબ પાણી નાખી તેને મીક્ષરમાં બ્લેન્ડ કરી લો. આ રીતે જ્યુસ તૈયાર થશે.

જ્યારે બીજી રીતે જોઈએ તો માનસિક બીમારીઓ દૂર કરવામાં તે બહુ મહત્વનો ભાગ ભજવે છે કારણકે મગજની યાદશક્તિને અસર કરનારું એક પ્રોટીન તૈયાર બનતું તે રોકે છે. જ્યારે હળદરનું સેવન કરવાથી ડાયાબીટીસનું પણ જોખમ ઓછુ રહે છે. સાંધાના દુખાવામાં પણ હળદર અકસીર દવા છે. તેનાથી સાંધામાં સોજો અને અક્કડપણું ઓછુ થાય છે.