મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પોતાની ત્રીજી પત્ની મેલેનિયા સાથે અમદાવાદની મુલાકાતે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમની દીકરી ઈવાન્કા પણ આવી હતી. ગાંધી આશ્રમની વિઝિટ એવી હતી કે તે ગમે ત્યારે કેન્સલ થાય તેમ હતી. જોકે મોટેરા જતાં વચ્ચે આવતા ગાંધી આશ્રમની વિઝિટ તેમણે કરી હતી.

આજે ૨૪મીએ બપોરના ૧૨.૩૦ના અરસામાં તેઓ ગાંધી આશ્રમ પહોંચી ગયા હતા જ્યાં તેમણે ગાંધીજીનો ચરખો શું છે. તેનાથી સુત્તર કેવી રીતે કાંતવું તે અંગેની માહિતી લીધી હતી. અહીં આશ્રમની એક મહિલા દ્વારા મેલેનિયા અને ટ્રમ્પને ચરખો કેમ ચલાવવો તેની જાણકારી આપી હતી સાથે જ વડાપ્રધાને તેનું ઐતિહાસિક મહત્વ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાને સમજાવ્યું હતું. આ વખતે તેમણે ગાંધી આશ્રમની વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે, પ્રતિ મારા શ્રેષ્ઠ મિત્ર, વડાપ્રધાન મોદી- આવી સુંદર મુલાકાત કરાવા બદલ તમારો આભાર.

વિઝિટર બુકમાં પોતાનો અનુભવ લખ્યા પછી તેમણે ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રચલીત મૂર્તિ પણ બતાવાઈ હતી. વડાપ્રધાને તેનું પણ મહત્વ તેમને સમજાવ્યું હતું. પ્રારંભીક ધોરણે આ મૂર્તિને જોઈ તેઓ કુતુહલ પામ્યા હતા પરંતુ બાદમાં જ્યારે વડાપ્રધાને તેનું મહત્વ સમજાવ્યું ત્યારે ટ્રમ્પ અને મેલેનિયાના ચહેરા પરની ખુશી જોઈ શકાતી હતી.