મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ દેશમાં કોરોનાના સંક્રમણ પછી લોકો આર્થીક રીતે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાજસ્થાનના ટ્રક ચાલકને કોરોના મહામારી પછી ટ્રકના હપ્તા ચડી જતા રાજસ્થાની બુટલેગર શ્રવણલાલ નારાયણલાલ ગુર્જરે ટ્રક ચાલકને રાજસ્થાનના રાજસમંદ થી અમદાવાદ ટ્રકમાં વિદેશી દારૂની ટ્રીપ મારવા ૭૦ હજારની લાલચ આપતા ટ્રકના હપ્તામાંથી છુટકારો મેળવવા ટ્રક ચાલક ટ્રકમાં ચોખાના ભુસાની આડમાં વિદેશી દારૂની ખેપ મારવા નીકળતા શામળાજી પોલીસે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ૬.૪૯ લાખના દારૂ સાથે ટ્રક ચાલક સહીત અન્ય એક શખ્સને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પીએસઆઇ આશીષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારિત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં ચોખાના ભુસા પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ-૧૪૨૩ કિ. રૂ. ૬૪૯૮૫૨/-નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક ચાલક ગણેશરાવ ધનરાજરાવ રાવ અને ભંવરસિંહ ખાનસિંહ સકતાવતને દબોચી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ,ટ્રક સહીત મળી રૂ.૧૪.૫૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન રાજસમંદના પનોતિયાના બુટલેગર શ્રવણલાલ નારાયણલાલ ગુર્જર નામના બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.