મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન ઓફિસના આરોગ્ય અધિકારીના ત્રાસથી એક તાલીમાર્થી ક્લાર્કે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આરોગ્ય અધિકારી સીઆર બગાડવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ આ યુવાને કર્યો છે. વરાછા ઝોન ઓફિસમાં તાલીમાર્થી ક્લાર્કે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે વરાછા ઝોન ઓફિસના આરોગ્ય અધિકારી પર ધમકી અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

 વરાછા ઝોન આફિસ ખાતે તાલીમાર્થી ક્લાર્ક તરીકે કામ કરતા સુરજ અનિલ ચકે બે વર્ષથી વરાછા ઝોનમાં વીડીબીસી વિભાગમાં તાલીમાર્થી ક્લાર્ક તરીકે નોકરી કરે છે. દરમિયાન ગત રોજ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તાલીમાર્થી ક્લાર્કે જણાવ્યું હતું કે, વરાછા ઝોન ઓફિસના આરોગ્ય વિભાગના અધિકારી જે.ડી. પટેલ દ્વારા ધમકી અને ત્રાસ આપવામાં આવતો હતો. સીઆર રિપોર્ટમાં બેડ લખી મોકલી આપવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી કંટાળી આ પગલું ભર્યું હતું.

 મૂળ મહારાષ્ટ્રના વતની સુરજની પત્ની ગર્ભવતી છે. જેથી પત્નીને મળવા માટે છેલ્લા ઘણા સમયથી રજા માંગતો હતો. જોકે, અધિકારી જે.ડી. પટેલ રજા મંજૂર કરતા ન હતા. પરિણામે કંટાળી જઈ તેની જ ઓફિસમાં હાથની નસ કાપી નાખી હતી. અધિકારીની શોષણનીતિ સામે આવતા સાથી કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.