મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુઃખાવા સમાન બની છે. બસ સ્ટેન્ડથી કડીયાવાડા રોડ, ચાર રસ્તાથી મખદૂમ ચોકડી, શામળાજી ડીપ વિસ્તાર અને માલપુર-મેઘરજ રોડ પર ગેરકાયદેસર ખડકાતા હાથલારી-પથારાવાળાએ કબ્જો જમાવી દેતા મુખ્યમાર્ગો અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ અને દાદાગીરી કરતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન સામે વર્ષોથી શહેરીજનો ઝઝૂમી રહ્યા છે. મોડાસા ટાઉન પોલીસે “દેર આયે દુરસ્ત” આયે કહેવત મુજબ હાથલારી વાળા સામે કાયદાકીય શસ્ત્ર ઉગમતા ટ્રાફિક સમસ્યા હળવી થતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે મુખ્યમથક મોડાસા શહેરમાં અસહ્ય બનેલા ટ્રાફિક અને ગેરકાયદેસર રોડ પર હાથલારીઓ ખડકી દેતા ટ્રાફિકજામ વારંવાર સર્જાતા મોડાસા ટાઉન પોલીસ તંત્રને ટ્રાફિકજામ કરનાર શખ્શો સામે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા મોડાસા શહેરના રાજમાર્ગોનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. મોડાસા ટાઉન પોલીસે ૩ દિવસમાં આઈપીસી કલમ-૨૮૩ મુજબ ૧૭ હાથલારી સાથે રોડ પર અડિંગો જમાવતા શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરતા હાથલારીઓવાળા ૪ દિવસથી મુખ્યમાર્ગો પરથી ગાયબ થઈ ગયા છે.

મોડાસાના કડીયાવાડા રોડ પર ૫થી વધુ હોસ્પિટલ્સ આવેલી હોવાથી અને બસ સ્ટેન્ડ પાછળ ૧૫થી વધુ હોસ્પિટલ્સમાં ઇમર્જન્સી સારવાર માટે આવતી એમ્બ્યુલન્સ અને ૧૦૮ એમ્બ્યુલન્સ રોડ પર ખડકાયેલી હાથલારીઓ અને પથારાવાળાના લીધે ટ્રાફિકમાં અનેકવાર અટવાઈ પડવાની અને દર્દીઓના જીવ જોખમના મુકાયા હોવાની અનેક ઘટનાઓ બનતા પોલીસતંત્રએ બંને માર્ગ પર ઉભેલી હાથલારીઓ વાળા સામે સખ્તાઈ પૂર્વક કામગીરી કરતા સારવાર અર્થે આવનાર દર્દીઓ અને લોકોમાં આનંદ છવાયો છે.