મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: દિવાળીનાં તહેવારો દરમિયાન ચૈન સ્નેચિંગ સહિત નાની મોટી લૂંટની ઘટનાઓ બનતી હોય છે. આવી આવી જ એક ઘટના કચ્છનાં પાટનગર ભુજમાં શુક્રવારે રાતે બની હતી. જેમાં દુકાન બંધ કરીને વકરાની રકમ લઈને ઘરે જઈ રહેલા વેપારીને લૂંટી લેવાયો હતો. બાઈક ઉપર આવેલા શખસોએ વેપારીને ધક્કો મારીને તેની પાસે રહેલી વકરાની ૮.૫૦ લાખની રકમ આંચકી ભાગી ગયા હતા.

તમાકુ, પાન મસાલા ક્ષેત્રે કચ્છ અને ભુજની જાણીતી વ્યાપારી પેઢી કારીયા બ્રધર્સના માલિકો સાથે બનેલી લૂંટની ઘટનાને કારણે એક તરફ જયાં વેપારીઓમાં ખોફનું  વાતાવરણ જેવા મળ્યું હતું ત્યાં બીજી તરફ પોલીસ પણ લૂંટની ઘટનાને પગલે દોડતી થયી ગયી હતી.

શુક્રવારે રાત્રે ભુજ શહેરના વાણિયાવાડ બજારની દુકાનેથી વકરો લઈને કારીયા બ્રધર્સના રેવાશંકરભાઈ કારીયા (ઉ.૭૨), તેમના પુત્ર કમલ કારીયા અને અન્ય પુત્ર સાથે એમ ત્રણ જણા બાઇક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી ત્રણ આવેલા ત્રણ  લૂંટારુએ આ પિતા પુત્રોની બાઇકને ટક્કર મારી પાડી દીધી હતી. ત્યારબાદ રેવાશંકરભાઈના હાથમાં રહેલ ૮.૫૦ લાખની રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો. આ  દરમ્યાન સામાન્ય ઝપાઝપી પણ થયી હતી. જેમાં  વૃદ્ધ વ્યાપારી રેવાશંકર કારીયાને થોડી ઘણી ઈજાઓ થઈ હતી. ભાનુશાલીનગર જેવા ભુજના ધમધમતા વિસ્તારમાં લોકો કંઈ સમજે તે પહેલાં એકાએક બે બાઇકોનો ટકરાવ અને ચિલઝડપ સાથે થયેલી લૂંટની આ ઘટના ગણતરીની મિનિટોમાં બની હતી. સનસનાટીભરી લાખોની લૂંટની આ ઘટનાની જાણ થતાં જ ભુજની પોલીસ તેમ જ એલસીબી પણ ઘટના સ્થળે પહોંચી હતી.

લૂંટના આ બનાવને પગલે ભુજના વ્યાપારી વર્ગમાં ભય પ્રસરી ગયો છે. લૂંટની સન્સનાટીભરી ઘટનાને પગલે દોડી આવેલા લોહાણા સમાજના આગેવાનોએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી. પોલીસે સતર્કતા સાથે જ ગઈકાલે કોમ્બિગ અને નાકાબંધી કરી આ વિસ્તારના સીસી ટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે.

જે રીતે લૂંટની ઘટના બની તે જોતાં લૂંટારુંઓએ વ્યાપારીની અવરજવરની રેકી કરીને વ્યાપારી પાસે રહેતી વકરાની મોટી રકમ વિશે જાણીને આ બનાવને અંજામ આપ્યો હશે, એવું પોલીસ માની રહી છે.