મેરાન્યૂઝ નેટવર્ક.આબુ: રાજસ્થાનમાં આવેલ હીલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતીઓનું મનપસંદ પ્રવાસ સ્થળ છે ગુજરાતીઓ પ્રાઇવેટ વાહનો અને ટ્રાવેલ્સ મારફતે મોટા પ્રમાણમાં શનિ-રવી માઉન્ટ આબુની કુદરતી વાતાવરણની મજા માણવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે ત્યારે બરોડાથી પ્રવાસીઓ સાથે માઉન્ટ આબુ ભરી પસાર થતી લકઝરી બસની વીરબાબા મંદીર નજીક  બ્રેકફેલ થતા પીલ્લર સાથે ભટકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક પ્રવાસીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું ૭ લોકોને ગંભીર ઈજાઓ અને ૨૦ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થતા અક્સ્માતના પગલે દોડી આવેલ સ્થાનીક પ્રશાસન તંત્ર અને પોલીસે તમામ ઇજાગ્રસ્તોને ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધા હતા.

પ્રાપ્ત માહીતી અનુસાર બરોડાની ખાનગી ટ્રાવેલ્સની ૩૦ પ્રવાસીઓથી ભરેલ લકઝરી બસને આબુ રોડ થી માઉન્ટ આબુ જતા વીરબાબા મંદિર નજીક બસની બ્રેક ન લાગતા પ્રવાસીઓથી ભરેલ બસ પીલ્લર સાથે ધડાકાભેર અથડાઇ હતી અને પલ્ટી ગઇ હતી. જોકે બસ ખીણમાં પડતા બચી ગઇ હતી. આ અકસ્માતમાં મોટા ભાગના લોકોને ઇજા પહોંચી છે ત્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને ૭ લોકોની હાલત ગંભીર હોવાથી સ્થાનિક પોલીસે તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને રેસ્ક્યુ કરી લકઝરીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડી દીધા હતા સદ્નસીબે બસ ખીણમાં ખાબકતા સહેજ માટે બચી જતા મોટા અકસ્માતની ઘટના ટળી હતી.