જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ કર્મચારીઓ સામે ટોર્ચરની ઇન્ડિયન પીનલ કોડની કલમ લગાવી જ નથી. મુન્દ્રા પોલીસે માત્ર મર્ડરની કલમ 302 અને આઈપીસીની કલમ 343 તથા 114 મુજબ ગુન્હો દાખલ કર્યો છે. બીજી બાજુ જેમના સામે આરોપ છે તેવા ત્રણેય પોલીસ કર્મચારી હજુ પણ ફરાર છે. જેને લઈને પોલીસની તટસ્થતા સામે પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે.
સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ચારણ સમાજનાં દબાણને કારણે પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણેય પોલીસ કર્મચારી સામે ગુન્હો તો દાખલ કરી દીધો પરંતુ કસ્ટોડિયલ ટોર્ચર અંગેની જે જોગવાઈ છે તે પ્રમાણે એફઆઈઆર કરી નથી. IPCની કલમ 330, 331 અને 348માં ટોર્ચર થવાના કિસ્સામાં કેવી કાર્યવાહી કરી શકાય તે અંગે જણાવવામાં આવેલું છે. પરંતુ આશ્ચર્યજનક રીતે કસ્ટોડિયલ ડેથના આ પ્રકરણમાં મુન્દ્રા પોલીસે ફરિયાદમાં આ કલમ દર્શાવી જ નથી. બીજીબાજુ આરોપી પોલીસ જવાનો પણ પકડાયા નથી તેવામાં પોલીસની આ કાર્યવાહી સામે શંકા જાય તે સ્વાભાવિક છે.
 
 
 
 
 
આ અંગે જયારે પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ટોર્ચર અંગેની કલમ હવે પછી કોર્ટ સમક્ષ ઉમેરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અંજાર જેવું તો નહીં થાય ને..!
પોલીસ માટે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ગુનેગાર ગમે તેવો હોય પરંતુ તે પોલીસનાં પંજાથી છૂટી શકતો નથી. પરંતુ જયારે આરોપી પોલીસ હોય ત્યારે આ વાત એટલી લાગુ પડતી નથી. કચ્છની જ વાત કરીએ તો, થોડા સમય અંજાર પોલીસનાં પાંચ કર્મચારી સામે દ્રાયફ્રૂટસનાં પ્રકરણમાં તપાસ અને ફરિયાદ થઈ હતી. જેમાં પાંચેય પોલીસ ફરાર થઈ ગયા હતા. અને લાંબા સમય બાદ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લઈને પોલીસ સમક્ષ હાજર થયા હતા. મુન્દ્રનાં આ કેસમાં પણ જે રીતે ત્રણ પોલીસ કર્મચારી ઘટના અને ફરિયાદ પછી ગાયબ થઈ ગયા છે તેને જોતા અંજાર જેવું અહીં પણ થાય તેવું સૂત્રો દાવો કરી રહ્યા છે.
યુવાનની લાશ સ્વીકારી
આરોપી પોલીસ કર્મચારીઓ જયાં સુધી ન પકડાય ત્યાં સુધી મરનાર યુવાનની લાશ ન સ્વીકારવો તેના પરિવાર તથા ચારણ સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આજે પશ્ચિમ કચ્છનાં એસપી સહિતના અધિકારીઓ દ્વારા કડક અને તટસ્થ તપાસનો ભરોસો આપવામાં આવતા યુવાનની લાશ સ્વીકારવામાં આવી હતી.
 
 
 
 
 
મુન્દ્રાનાં ઇન્સ્પેક્ટરની બદલી અને તપાસ
એક તરફ જયાં ત્રણ પોલીસ કર્મચારી સામે ફરિયાદ કરવામાં આવી છે ત્યાં મુન્દ્રનાં પોલીસ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં મુન્દ્રાના પીઆઇ જે.એ.પઢીયાર સામે પણ આક્ષેપ થયા છે ત્યારે એસપી સૌરભસિંગએ તેમની બદલી કરીને તપાસનો હુકમ કર્યો હતો. પઢીયારને જેઆઇસીમાં મૂકી તેમના સ્થાને જેઆઇસીનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.જાનીને મુન્દ્રા પોલીસ મથક ખાતે મુકવામાં આવ્યા છે.
DG અને CMને રજુઆત કરાઈ
કસ્ટોડિયલ ડેથના પ્રકરણના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. કોંગ્રેસનાં અગ્રણી અને માંડવીના પૂર્વ ધારાસભ્ય એવા શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે ડીજીપી અને મુખ્યપ્રધાનને ટ્વીટ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તેમને જોઈને કચ્છ ભાજપનાં અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડાએ પણ પત્ર લખી નાખ્યો છે. તો માંડવીના હાલના ધારાસભ્ય જાડેજાએ તો અખબારમાં જાહેરાત આપી છે કે તેમણે આ અંગે રજુઆત કરી છે.