મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ લોકસભા ચૂંટણીઓનું રણશિંગુ ફૂકવાના પ્રવાસે છે વડાપ્રધાન મોદી અને તે રણશિંગુ રાજસ્થાનથી ફૂંકાયું છે. શનિવારે નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે જોરદાર ગર્જના કરી હતી. પુલવામા હુમલાના શહીદોની શહાદતને નમન કરતાં પીએમ મોદીએ ચેતાવણી ભર્યા શબ્દોમાં કહ્યું કે, આ વખત હિસાબ થશે અને પુરો હિસાબ થશે.

ટોંક ખાતે આયોજિત વિજય સંકલ્પ રેલીમાં વડાપ્રધાન મોદીએ ભારત માતાની જય જય કાર સાથે પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું હતું. શરૂઆતની અંદાજિત 15-20 મિનિટ સુધી તો મોદી રીતસર આતંકવાદ પર ગરજી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે, પુલવામા હુમલાના શહીદો અને તેમની માતાઓને નમન કરું છું અને વીર જવાનો પર મને ગર્વ છે. આજે પુલવામા હુમલા વિરુદ્ધ સમસ્થ વિશ્વ ભારત સાથે ઊભું છે. મોદીએ કહ્યું કે તે દેશના આક્રોશને સારી રીતે સમજે છે. પુલવામા હુમલા બાદ હવે એક એક કરીને પાકિસ્તાન સાથે હિસાબ લેવામાં આવશે. અમે આતંકને કચળી નાખવાનું જાણીએ છીએ. આ નવી નીતિ રીતિ વાળું ભારત છે. અમે સેનાને પુરી છૂટ આપી દીધી છે. આજે રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ છે. માણસાઈના દુશમનોનો પકડી પકડીને હિસાબ કરવો પડશે. અમારી લડાઈ કશ્મીર માટે છે કશ્મીરીઓ વિરુદ્ધ નહીં. હું આતંકની ફેક્ટ્રીને તાળા લગાવીશ.

પોતાના સંબોધનમાં મોદીએ વિપક્ષ પર નિશાન તાકતાં કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે વાયદા મુજબ ખેડૂતોના દેવા માફ નથી કર્યા. તેમણે આરોપ લગાવ્યો હતો કે જુઠ્ઠું બોલવું કોંગ્રેસની આવડત છે. આ દરમિયાન મોદી સરકારની યોજનાઓ પણ તેમણે ગણાવી હતી અને ફરી આગામી ચૂંટણીઓમાં ભાજપા માટે વોટ માગ્યા હતા.