મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ચાલુ વર્ષે વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવેલા  (CAG)ના  રિપોર્ટમાં બહાર આવ્યું કે, સુરત અને જામનગર જેવા જીલ્લામાં ICU બેડની સંખ્યા, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બેડની સંખ્યા ઓછી છે અને રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોનો પરવાનો જાળવી રાખવા એક મેડિકલ કોલેજથી અન્ય મેડિકલ કોલેજમાં શિક્ષકોની સામુહિક બદલી કરવાની ઘટનાઓ થઇ છે.

ભારતના નિયંત્રક એ મહાલેખા પરીક્ષક (CAG)નો સામાન્ય અને સામાજિક ક્ષેત્રનો માર્ચ ૨૦૧૭ના અહેવાલ જે વિધાનસભાના આ સત્રમાં ગૃહના મેજ પર મુકવામાં આવ્યો જેમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્યમાં જામનગર અને સુરત મેડિકલ હોસ્પિટલમાં સેન્ટ્રલ કેઝ્યુઅલ્ટી વિભાગ ઇન્ટેન્સીવ કેર યુનિટ્સ (ICUs)ની સુવિધા વગર અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) દ્વારા બેડની નિયત કરાયેલા સંખ્યા કરતાં ઓછી સંખ્યા સાથે કરતાં ઓછી સંખ્યા સાથે કાર્યરત હતા. નમુના રૂપે લેવાયેલા CHsની  તપાસમાં એ પણ બહાર આવ્યું કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે બેડની સંખ્યા ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડડઝમાં નિયત કરાયેલા બેડ કરતાં ઓછી છે.

CAGમાં આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, ગુજરાતમાં ટીચિંગ સ્ટાફ કેડરમાં સ્ટાફની અછત હોવાને લઈને તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ અસરગ્રસ્ત હતી. કોલેજનો પરવાનો જાળવી રાખવા માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)ના નિરીક્ષણ પહેલા એક મેડિકલ કોલેજથી અન્ય મેડિકલ કોલેજમાં શિક્ષકોની સામુહિક બદલી કરવાની ઘટનાઓ  ઓડીટના ધ્યાનમાં આવી હતી જેનો CAG રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં સંશોધનને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે કોઈ જ માર્ગદર્શિકાઓ ઘડી ન હતી અને રાજ્યના સંશોધન ઇચ્છુકોને વર્ષ ૨૦૧૪-૧૫થી સંશોધન માટે કોઈ જ નાણાકીય સહાય મળતી નથી. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં  માળખાગત સુવિધાઓનો અભાવ છે, એક હોસ્ટેલની એક રૂમમાં ચાર થી પાંચ વિદ્યાર્થીઓ અને રાજ્યમાં GMCsમાં અપાતાં શિક્ષણની દેખરેખ વ્યવસ્થા ખામીયુક્ત હતી.

આ ઉપરાંત રાજ્યમાં UG, PG અને વિશેષજ્ઞો માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ સંખ્યાની ક્ષમતા વધારવા નિયત કરાયેલા લક્ષ્યાંકો (૨૦૧૨-૧૫) આંશિક સિદ્ધ થયા હતા.