મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે મેરાજીયા વિસ્તારમાં ૨૩ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર આરોગ્ય સબ સેન્ટરના ભૂમિ પૂજનમાં ગામના સરપંચ અને ટીંટોઈ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે કેટલાક આગેવાનો સાથે ભેગા મળી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ર્ડો.ચિરાગ ઉપાધ્યાય, જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.અમરનાથ વર્મા સ્થાનિક જીલ્લા પંચાયત સદસ્ય રેવાભાઈ ભાંભી અને તાલુકા પંચાયત સદસ્યોની જાણ બહાર ભૂમિ પૂજન થતા સમસમી ઉઠ્યા હતા.

અરવલ્લી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ર્ડો.ચિરાગ ઉપાધ્યાય અને જીલ્લા પંચાયત સદસ્ય રેવાભાઈ ભાંભીએ ટીંટોઈ સબ સેન્ટરના ભૂમિ પૂજનમાં અવગણના થતા જીલ્લા વિકાસ અધિકારી હસિત ગોસાવીને લેખિત રજૂઆત કરી હતી.

જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ર્ડો.ચિરાગ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, ૧૮ જુલાઈ એ ટીંટોઈ આરોગ્ય સબસેન્ટરનું બાંધ કામ શરુ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં ભૂમિ પૂજન ૨૪ જુલાઈએ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો હું ચેરમેન હોવા છતાં

મારી જાણ બહાર કઈ રીતે કરવામાં આવ્યું એ રમૂજ ઉપજાવવા જેવી વાત હોવાનું જણાવી જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરી હોવાનું અને જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવેની માંગ કરી હતી.

જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.અમરનાથ વર્માના જણાવ્યા અનુસાર, ટીંટોઈ પ્રાથમિક આરોગ્યના નવીન સબ સેન્ટર મેરાજીયાનું ૨૪ જુલાઈએ ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી તથા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે ખાતમુહર્ત કરી દીધાની જાણ થતા મેડિકલ ઓફિસરને નોટિસ આપવામાં આવી હોવાનું અને ૩ દિવસમાં ખુલાસો મંગાવામાં આવ્યો હોવાનું અને ૩ દિવસમાં મેડિકલ ઓફિસર ખુલાસો કરવામાં નિષ્ફળ રહેશેતો આગળની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું