જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): અરવલ્લી જીલ્લાના અનેક યુવકો દેશની સુરક્ષા માટે વિવિધ દળમાં જોડાઈ માં ભોમની રક્ષા કરી રહ્યા છે. કેટલાક જવાનો દેશની સુરક્ષા કરતા શહીદી વ્હોરી છે. હજુ પણ લશ્કરમાં ભરતી થવાનો જુસ્સો યથાવત છે. મોડાસા તાલુકના ટીંટોઈ ગામના સીઆઈએસએફ માં ૩૯ વર્ષ દેશની રક્ષા કરી નિવૃત્ત થયેલા ખેમાભાઈ અંબાભાઈ મોરી "વેતન માટે નહિ વતન" માટે નિઃશુલ્ક યુવાનોને આર્મીમાં જવા માટે શારીરિક માનસિક રીતે તૈયાર કરવાનું અનોખુ અભિયાન ચલાવાઇ રહ્યા છે. ટીંટોઈ ગામના ગૌચરને મેદાનમાં ફેરવી દઈ તાલીમ આપી રહ્યા છે. લશ્કરમાં ભરતી થવા માટે ટીંટોઈ સહીત આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે. નિવૃત્ત આર્મી જવાનની પહેલને યુવાનો સહીત સમગ્ર પંથકમાં સરાહના થઇ રહી છે. ટીંટોઈ ગામમાંથી ૧૦ થી વધુ યુવાનો હાલ આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. 
   
ટીંટોઈ ગામના ખેમાભાઈ અંબાભાઈ મોરી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીલ સિક્યુરિટી ફોર્સ (અર્ધ લશ્કરી દળ)માં ૩૯ વર્ષ સુધી દેશની રક્ષા કરી ૫ મહિના અગાઉ વયનિવૃત્ત થયા હતા. નિવૃત્તિ લીધા બાદ અન્ય યુવાનો પણ દેશ માટે કંઈક કરી શકે તેવા ઉદ્દેશ સાથે ગામના ગૌચરને લશ્કરી ટ્રેનિંગ સેન્ટરની જેમ ફેરવી દઈ સ્થાનિક અને આજુબાજુના વિસ્તારના યુવાનોને આર્મીમાં જોડાવા માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવા નિ:શુલ્ક તાલીમ કેમ્પ શરૂ કર્યો છે. જ્યાં તેઓ યુવાનોને આર્મી જેવી જ કઠોર તાલીમ આપી યુવાનોને સક્ષમ બનાવી રહ્યા છે ખેમા ભાઈ મોરીકહે છે કે, હું વેતન માટે નહીં પરંતુ, વતન માટે કામ રહ્યો છું. અને દેશ માટેનું મારૂ ઋણ અદા કરી રહ્યો છું.

નિવૃત આર્મી જવાનના નિઃશુલ્ક તાલીમ કેમ્પમાં વહેલી સવારે ૬૦ થી ૭૦ યુવાનો તાલીમ લઈ રહ્યા છે. જેમાં યુવાનોને ફિઝિકલ ફિટનેશ માટે ૧૬૦૦ મીટર રનીંગ, ૧૦૦ મીટર ફાસ્ટ ટ્રેક દોડ,અને યોગ થકી શારીરિક મજબૂતી જળવાઈ રહે તે માટે યોગ ક્લાસ લેવામાં આવે છે. આ તાલીમ જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારના યુવાનો માટે માર્ગદર્શક બની રહી છે. નિવૃત્ત જવાનની આ પ્રવૃત્તિથી વિસ્તારના લોકો કે જે સંતાનોને શીક્ષક સહીત સરકારી નોકરી સ્વરૂપમાં જોવા ટેવાયેલા હતા તેઓ પણ હવે આર્મી ભણી નજર દોડાવી રહ્યા છે. સતત આતંકવાદી હુમલા થઇ રહ્યા છે ત્યારે યુવાનોમાં લશ્કરમાં જોડાવાનો જોશ જોવા મળી રહ્યો છે.