મેરાન્યૂઝ નેટવર્ક.નવસારી : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, જેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે. એવામાં આજે નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે  પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પસાર થઈ રહેલ આર્ટિંગા કાર ચાલકે સ્ટેરીગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પરથી પસાર થઈ રહેલા દૂધના ટેન્કર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ યુવકો મોતને ભેટ્યાં છે. આ યુવકો વલસાડથી સુરત તરફ જઈ રહ્યાં હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. એક યુવક ચીખલીનો તેમજ બે યુવક વલસાડના રહેવાસી હતા.આ ઘટનાની વિગત જોઈએ તો સુમુલ ડેરીમાં કન્ટેનર લાવવા લઈ જવાનું કામ કરતાં સુરજ યાદવના કન્ટેનરમાં ખામી સર્જાતા તે તેને રીપેર કરવા જઈ રહ્યા હતા.

આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકોની ઓળખ આયુષ ભરત પટેલ (ઉ.વ 20 રહે. વલસાડ), અજય અરવિદ પટેલ (ઉ.વ. 37 રહે. વલસાડ) અને મયુર બીપિન પટેલ (ઉં.વ. 28, રહે. ચીખલી નવસારી) તરીકે થઈ છે.

આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય યુવકોના મૃતદેહોનો પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે કન્ટેનર ચાલકે ફરિયાદ આપી છે. ત્યારે આ અકસ્માતની જાણ મૃતકના પરિવારને કરવામાં આવી છે. તેમજ નવસારી ગ્રામ્ય પોલીસને કેસની તપાસ સોંપવામાં આવી છે. અકસ્માતમાં ટ્રકને પણ ભારે નુકસાન થયું છે. તેમજ કારને પણ ભારે નુકસાન થયું હતું.