મેરાન્યૂઝ નેટવર્ક.ખેડાઃ મોડાસા રોડ પરના કપડવંજ જીઆઈડીસી ખાતે આજે વહેલી સવારે ટ્રક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં કારમાં બેસેલા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે આ ત્રણે વ્યક્તિના મોત સ્થળ પર જ થઈ ગયા હતા અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

ઘાયલોને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ આદરી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળ પણ વળી ગયા હતા.

અકસ્માતની ગંભીરતાને પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મળતી વધુ માહિતી પ્રમાણે કારમાં સવાર આ વ્યક્તિઓ અંકલઈ ગામ કપડવંજના હતા. તેઓ બાયડમાં પોતાના એક સંબંધીના ત્યાં દુઃખદ પ્રસંગ બન્યો હોવાથી તેઓ સ્મશાન યાત્રામાં હાજરી આપવા માટે જતા હતા. દરમિયાન રેલવે ફાટક પાસે ટ્રક સાથે અકસ્માત થતાં તેમના સાથે કારમાં સવાર લોકો પૈકી ત્રણ વ્યક્તિનું ત્યાં જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસની તજવીજ હાથ ધરતા ટ્રક ચાલકની શોધખોળ આદરી છે.