મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: કોરોનાની બીજી લહેર એટલી ઘાતક બની છે કે અનેક પરિવારના આધાર છીનવા ગયા છે. આવી જ કરૂણ ઘટના સુરત જિલ્લાના બારડોલીમાં બની છે જ્યાં 8 દિવસમાં પિતા, પુત્ર અને પુત્રવધૂનુ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરિમયાન મોત થયું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલીની હૂડકો સોસાયટી પાસે આવેલ બજરંગવાડીમાં રહેતા બાબુભાઇ મંગુભાઈ પટેલ તેમની પત્ની, પુત્ર મનીષકુમાર, પુત્રવધૂ પૂર્વીબેન તેમજ બે પૌત્રો વર્ષીલ અને દેવાંશુ સાથે રહેતા હતા. આ સમગ્ર પરિવાર કોરોનાગ્રસ્ત થયા હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બાબુભાઇનો નાનો પુત્ર જયેશ અને પુત્રી હાલ યુ.કે.માં સ્થાયી થયા છે.

3 મે ના રોજ પુત્રવધૂ પૂર્વીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. હજું પરિવાર આ ઘટનાને ભુલી પણ ન્હોતો શક્યો ત્યાં તો 10મી મે ના રોજ સવારે બાબુભાઈ પટેલેનું નિધન થયું હતું અને એ જ રાત્રે તેમના પુત્ર મનીષનું પણ અવસાન થતાં સમગ્ર પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.  ત્રણેયના મોતથી હવે ઘરમાં બાબુભાઈના પત્ની અને બે પૌત્રો રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાબુભાઇ પટેલ બારડોલીની જે.એમ.પટેલ હાઈસ્કૂલના મંત્રી ઉપરાંત ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સારા ખેડૂત હોવાની સાથે બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત બારડોલીની પ્રતિસ્થિત ગણાતી ધી બારડોલી નાગરિક સહકારી બેન્કના વાઇસ ચેરમેન પણ રહ્યા હતા. તેમજ કાછિયા પાટીદાર સમાજમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આ ઉપરાંત તેમનો પુત્ર અને પુત્રવધૂ બારડોલીના સ્ટેશન વિસ્તારમાં પતંજલિ સ્ટોર ચલાવતા હતા.