મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્યના ત્રણ આઇએએસ અધિકારીઓની બદલીના આદેશ સરકાર તરફથી કરવામાં આવ્યા છે. જેમા આઇએએસ અધિકારી મુકેશ કુમાર, મોહંમદ શાહિદ તથા ડૉ. વિનોદ રાવની પરસ્પર બદલીઓ કરવામાં આવી છે.

ગુરુવારે મોડી સાંજે થયેલા આદેશ અનુસાર ગુજરાત કેડરના 1996 બેચના આઇએએસ અધિકારી મુકેશ કુમારની સેક્રેટરી  સરકાર, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) સચિવાલય, ગાંધીનગરથી બદલી ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ કુમાર આ પહેલા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર રહી ચુક્યા છે અને તેમણે શહેરને સ્માર્ટ સીટી બનાવવા તથા સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. જેથી તેમને હવે મેરિટાઇમ બોર્ડમાં મુકવામાં આવ્યાની ચર્ચા છે.  

જ્યારે ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહંમદ શાહિદની બદલી સેક્રેટરી ટુ ગુજરાત, એગ્રીકલ્ચર, ફાર્મર વેલ્ફેર અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ (એનિમલ અસબન્ડરી, ગૌ સંવર્ધન, ફિશરીસ) સચિવાલય, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. જ્યારે એગ્રીકલ્ચર, ફાર્મર વેલ્ફેર સહિતના વિભાગ સંભાળતા આઇએએસ ડૉ. વિનોદ રાવની બદલી મુકેશ કુમારના સ્થાને એટલે કે સેક્રેટરી ટુ ગુજરાત શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) સચિવાલય, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે.